Mysamachar.in-જામનગર:
જિલ્લાના ઘણાં ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં આજની તારીખે પણ ઉત્તરપ્રદેશ અને બિહાર જેવી માફિયાગીરી ચાલે છે, લુખાઓ અને અસામાજિક તત્વો ગમે ત્યારે, ગમે તેને ધોલધપાટ કરી લ્યે છે, હાડકાં ભાંગી નાંખે છે, ઘરમાં કે દુકાનોમાં ઘૂસીને પણ આવા તત્વો પોતાની ધાક કાયમ રાખતાં હોય છે, કેમ કે અસામાજિક તત્ત્વો પર પોલીસની કોઈ ધાક નથી, પોલીસ અન્ય કામગીરીઓમાં ‘વ્યસ્ત’ રહે છે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રામભરોસે છે, આ મતલબની લાગણી તથા રોષ અનુભવતા વેપારીઓએ આજે જામજોધપુર બંધનું એલાન આપેલું અને પોલીસની નિષ્ફળતા તેમજ હાલમાં એક વેપારી પર થયેલાં હુમલાના વિરોધમાં શહેરમાં રેલી પણ યોજી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ચિરાગ દેલવાડિયા નામના એક વેપારી પર, વાહન પાર્કિંગ બબાલ બાદ હીચકારો હુમલો થયાની ઘટના અંગે આઠ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. આરોપીઓ હજુ ઝડપાયા નથી. હુમલાના આ બનાવને કારણે વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના ધંધાર્થીઓમાં ભારે રોષ છે. જામજોધપુર શહેર અને પંથકમાં ગુનાખોરો બેફામ છે, પોલીસનો અસામાજિક તત્ત્વો પર કોઈ અંકુશ નથી અને શહેર તથા પંથકમાં હત્યા સહિતના ગુનાઓ કરતાં તત્વો પર પોલીસની કોઈ ધાક નથી, એવી લાગણી અને રોષ સાથે આજે બુધવારે સવારે શહેરના સેંકડો વેપારીઓએ રેલી યોજી પોલીસ પ્રત્યેની પોતાની નારાજગીઓ વ્યક્ત કરી હતી. અને જામજોધપુર બંધ પાળવામાં આવ્યો હતો. આ બંધમાં માર્કેટિંગ યાર્ડના તમામ વેપારીઓ પણ જોડાયા હતાં. આજે સવારે વેપારીઓની આ રેલી ગાંધીચોકથી શરૂ થઈ હતી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારીઓના આ પ્રત્યાઘાતને કારણે પોલીસ શરમ અને બચાવની સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.
