Mysamachar.in:રાજકોટ
રોજબરોજ કેટલાય કેટલાય કિસ્સાઓ એવા સામે આવતા હોય છે જેમાં અલગ અલગ વિભાગના અધિકારી કર્મચારી લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે, એવામાં રાજકોટ શહેરનો એક પોલીસકર્મી એસીબીની ઝપટે ચઢી ગયો છે. ACBમાં લાંચ અંગેની ફરિયાદ કરનાર ફરિયાદીના પુત્રની ચોરીના કેસમાં પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડા કે જેઓ પોલીસ મથકના ઈન-વેમાં ફરજ બજાવી રહ્યા છે તેમના પાસે હોવાથી તેમણે આરોપીના પિતાનો સંપર્ક કર્યો હતો. આ પછી ફરિયાદી દ્વારા કલ્પેશ ચાવડાને પોતાના પુત્ર સામે ચોરીના ગુનામાં કાગળો ‘હળવા’ કરવા તેમજ હેરાન નહીં કરવા માટે કહેતા કલ્પેશ ચાવડાએ તેની પાસે 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.
લાંચ માંગ્યા બાદ હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડા અને આરોપીના પિતા વચ્ચે પૈસા મામલે રકઝક થયા બાદ અંતે 8000 રૂપિયાની લાંચ ચૂકવવાનું નક્કી થયું હતું. જો કે, આરોપીના પિતા હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ચાવડાને લાંચ આપવા માંગતા ન હોય, જેથી તેમણે લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કરતા એસીબીએ પ્રદ્યુમનનગર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં ટ્રેપ ગોઠવી હતી. આરોપીના પિતાએ કલ્પેશ ચાવડાના હાથમાં આઠ હજાર રૂપિયાની લાંચ આપતા જ ACBએ તેમને રંગેહાથે પકડી લઈ ધરપકડ કરી લીધી હતી. જમાદાર ઝડપાઈ ગયાની વાત વાયુવેગે પ્રસરી જતા પોલીસ વિભાગમાં સળવળાટ વધી ગયો હતો.