Mysamachar.in:સુરત
વંધ્યત્વ નિવારણ અને નિઃસંતાનપણાનો ઈલાજ એવાં રૂપાળાં નામો હેઠળ સમગ્ર રાજ્યમાં ફર્ટિલિટી સેન્ટરો ધમધમે છે. આ પ્રકારના સેન્ટરો IVF કેન્દ્રો તરીકે ઓળખાય છે. અને, જુદાં જુદાં કારણોસર દંપતીઓમાં ફળદ્રુપતા ઓછી થતી જતી હોય તથા મનોવાંછિત બાળકો મેળવવાની ઘેલછાને કારણે, આ પ્રકારના કેન્દ્રો ચિક્કાર બિઝનેસ કરે છે – એ વાત કોઈથી અજાણી નથી. આખરે આ મામલો જાહેર હિતની એક અરજીનાં રૂપમાં હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં સરકારને નોટિસ આપવામાં આવી છે.
ગુજરાતનાં આર્થિક પાટનગર માનવામાં આવતાં સુરત શહેરમાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યા વચ્ચે મોટો તફાવત છે. બીજી તરફ, સુરત શહેરમાં IVF કેન્દ્રોમાં ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવે છે ! જેનાં પર પ્રતિબંધ લગાવવો જોઈએ એવી માંગણી સાથે સુરતની એક સ્વૈચ્છિક સંસ્થાએ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. અદાલતને પણ આ મુદ્દે અચરજ થયું છે. IVF નાં નામે ગર્ભમાં દીકરી છે કે દીકરો તેની માહિતી દંપતીઓને આપતી હોસ્પિટલો સામે સુરતથી એક PIL કરવામાં આવી છે. સુરતમાં આ પ્રકારના 35 IVF સેન્ટર ધમધમી રહ્યા છે એવું આ અરજીમાં જણાવવામાં આવ્યું છે. આ અરજીથી અદાલતને અચરજ થયું છે. વડી અદાલતના મુખ્ય કાર્યકારી ન્યાયમૂર્તિ એજે દેસાઈની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, આ કેવી રીતે શક્ય બને ?! ખંડપીઠે સરકાર સહિતનાં તમામ પક્ષકારોને નોટિસ આપી છે અને આગામી સુનાવણી 12 જૂને મુકરર કરી છે.
અપમૃત્યુ નિવારણ સહાય નામની સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખ ગીતા સહાય દ્વારા આ અરજી કરવામાં આવી છે. એમનાં વતી એડવોકેટ ઝુબિન ભરડાએ અદાલતને જણાવ્યું હતું કે – સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં IVF કેન્દ્રોનાં નામે ગર્ભમાંનાં બાળકનું જાતિ પરીક્ષણ કરી આપવામાં આવશે એવી જાહેરાતો ખૂલ્લેઆમ થાય છે ! જેમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે, અમારાં કેન્દ્ર પર જાતિ પસંદગી કરી આપવામાં આવે છે ! ત્યાં સુધી જાહેર થયું છે કે, FIR પછી પણ આવા કિસ્સાઓમાં પોલીસ જવાબદાર લોકો વિરુદ્ધ પગલાં લેતી નથી.
આ PILમાં એમ પણ કહેવાયું છે કે, PC & PNDT એક્ટ હેઠળ ગર્ભ પરીક્ષણ ગેરકાનૂની હોવાથી સરકારે આ કાયદાનાં અમલ માટે ઘણી ઓથોરિટીની રચના પણ કરી છે. વકીલ દ્વારા દલીલ કરવામાં આવી છે કે, ગર્ભ પરીક્ષણ અંગેનાં આ કાયદામાં ઘણી બધી ખામીઓ છે. જેનો IVF કેન્દ્રો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. આ માટે જીનેટિક ટેસ્ટિંગ લેબોરેટરી પર નિયંત્રણો લાગુ કરવા જોઈએ. આ અરજીમાં વધુમાં કહેવાયું છે કે, પાછલાં પાંચ વર્ષ દરમિયાન આ પ્રકારના IVF સેન્ટરોમાં જન્મેલાં બાળકોની જાતિઓ અંગેનાં આંકડાઓ સરકારે તપાસવા જોઈએ અને જાહેર કરવા જોઈએ. એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ચાઈનીઝ બનાવટનું એક અલ્ટ્રા સાઉન્ડ મશીન આવે છે, જે પોકેટ સાઈઝ હોય છે. તેનો આ IVF કેન્દ્રોમાં દુરૂપયોગ કરવામાં આવે છે અને ગર્ભમાં રહેલા બાળકની ‘જાતિ’ નક્કી કરવામાં તે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.