Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર રાજ્યમાં સખત ગરમી અનુભવાઈ રહી છે. હીટવેવની આગાહી પણ છે. રાજ્યની સંખ્યાબંધ સરકારી કચેરીઓમાં લાખો કર્મચારીઓ નોકરીઓ કરતાં હોય છે, જે પૈકી ઘણાં કર્મચારીઓ ગરમીને કારણે શારીરિક અસ્વસ્થતા અનુભવી રહ્યા છે, આ તમામ બાબતો ધ્યાન પર લઈ કર્મચારીઓના સંગઠને મુખ્યમંત્રી સમક્ષ ‘રજા’ની માંગ કરી છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સતિષ પટેલ અને મહામંત્રી ભરત ચૌધરીએ કર્મચારીઓ વતી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવાયું છે, રાજ્યમાં ધોમધખતો તાપ વરસી રહ્યો છે. ગત્ મહિનામાં કમોસમી વરસાદ આવ્યો હતો. જેથી હાલ અસહ્ય ગરમીનો માહોલ છે. હવામાન વિભાગ કહે છે: હજુ પણ ગરમી વધશે.
પત્રમાં વધુમાં કહેવાયું છે: હવામાન વિભાગે રાજ્યમાં 25મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારબાદ ગરમીનો પારો વધુ ઉંચો જશે, એવી આગાહી પણ છે. દેશના 10 સૌથી ગરમ શહેરોમાં 8 શહેરો ગુજરાતના છે. એક રિપોર્ટ ટાંકી પત્રમાં કહેવાયું છે કે, ગુજરાત સહિત સમગ્ર ભારતમાં હીટવેવની સંખ્યા અને તેના દિવસોમાં વધારો થઈ રહ્યો છે.
ઉત્તર પશ્ચિમ ભારતના શહેરો ગ્લોબલ હોટ સ્પોટ બન્યા છે. ગુજરાતના અમદાવાદથી માંડીને દ્વારકા સુધીના જિલ્લાઓમાં હીટવેવની ઘટનાઓમાં ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લાખો સરકારી કર્મચારીઓ એસી/કુલર વગર ધીમે ધીમે ફરતાં પંખાના સહારા થકી આ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ઘણી કચેરીઓમાં પિવાના પાણીની પણ વ્યવસ્થાઓ નથી. ઘણાં કર્મચારીઓના સ્વાસ્થ્ય પર આ ગરમીની અસરો થઈ છે. આવા ઘણાં કિસ્સાઓ ધ્યાન પર આવ્યા છે, કર્મચારી મહામંડળને રજૂઆતો પણ મળી છે.
પત્રના અંતમાં જણાવાયું છે કે, કર્મચારીઓના હિતમાં તેઓનું સ્વાસ્થ્ય જોખમાય નહીં તે હેતુસર રાજ્યની સરકારી, અર્ધસરકારી, ગ્રાંટ ઈન એઈડ કચેરીઓ, સંસ્થાઓના કર્મચારીઓના જનહિતમાં આગામી સપ્તાહે કર્મચારીઓને જાહેર રજા આપવામાં આવે. આ પ્રકારની વિનંતી કરવામાં આવી છે.(file image source:google)