Mysamachar.in-જામનગર:
જામનગરમાં ITRA (Institute of teaching and research in Ayurveda) સંસ્થાના ઉપક્રમે આજે 14 ઓક્ટોબરથી 3 દિવસ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ કોન્ફરન્સ ‘વૃદ્ધાવસ્થામાં સંપૂર્ણ આયુર્વેદ સારવાર’ સંબંધે છે. સંસ્થાની સ્થાપનાના દિવસ નિમિતે આ નૂતન પહેલ કરવામાં આવી છે.
આ તમામ માહિતીઓ જનજન સુધી પહોંચાડવા માટે ગઈકાલે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આ વિગતો આપવામાં આવી. સત્તાવાળાઓએ જાહેર કર્યું કે, ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ ITRA ની સ્થાપના 15-10-2020ના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જેને આવતીકાલે 15 ઓક્ટોબરે 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.
પત્રકાર પરિષદમાં વધુમાં જણાવાયું કે, સંસ્થાના સ્થાપના દિન નિમિતે આજે 14 ઓક્ટોબરથી 3 દિવસ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે, આ કોન્ફરન્સનું નામ ‘આયુર જેરીયકોન-2025’ રાખવામાં આવ્યું છે. આ જ વર્ષે સંસ્થામાં આયુર્વેદના અભ્યાસ માટે વિદેશી વિદ્યાર્થીઓને સમાવતા પ્રથમ આંતરરાષ્ટ્રીય અભ્યાસ કેન્દ્રની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.
આ કોન્ફરન્સમાં પ્રમુખ તરીકે આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, નાયબ નિયામક જનરલ સત્યજિત પૌલ, NCISMના ચેરમેન ડો. બી.એલ.મહેરા તથા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ITRAના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી ઉપસ્થિત રહેશે.
આ તકે ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં એલોપેથી ચિકિત્સા પદ્ધતિમાં જિરીયાટીક એટલે કે, વૃદ્ધાવસ્થા માટેની ચિકિત્સા અને સારસંભાળ માટે અલાયદી વ્યવસ્થા છે. પરંતુ આયુર્વેદમાં આજ સુધી તે માત્ર સંદર્ભ ગ્રંથોમાં સિમિત હતું. પણ હવે તેની અલગ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બને તે માટે વિચારમંથન અને આગામી માર્ગદર્શિકા તૈયાર કરવા આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં વિશ્વભરના 500થી વધુ નિષ્ણાંત ભાગ લેશે. કોન્ફરન્સમાં રિસર્ચ પેપર પણ રજૂ થશે. 3 દિવસ દરમ્યાન કુલ 10 વિષય નિષ્ણાંતો પ્રવચન આપશે. આ ઉપરાંત ક્લિનિકલ જિરીયાટીક આયુર્વેદ પ્રેક્ટિસનર્સ માટે એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.