Mysamachar.in-અમદાવાદ
કોરોનાકાળમાં આ મહામારીથી બચવા માટે લોકોને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે, અને માસ્ક ના પહેરનાર લોકો પાસેથી પોલીસ દંડની વસુલાત પણ કરે છે, જેથી લોકો જાગૃત થઇ ને માસ્ક પહેરતા થાય….એવામાં અમદાવાદમાં માસ્ક ના પહેરનાર શખ્સને પોલીસે ઝડપ્યો તો ઓળખ આપી પોલીસની પણ ભાંડાફોડ ત્યારે થયો જયારે તે પોલીસ ખરેખર હતો જ નહી…વસ્ત્રાપુર પોલીસે નકલી પોલીસ બની ફરતા શૈલેષ મહેશ્વરી નામના શખ્સની ધરપકડ કરી છે. માસ્ક ન પહેરતા પોલીસે તેને પકડ્યો હતો. ત્યારે યુવકના કમર પર રિવોલ્વર ટાંગેલી હતી, પોલીસે તેને પૂછતા તેણે પોતાની ઓળખાણ પોલીસ તરીકે આપી હતી. જો કે, બાદમાં યુવક પોલીસ ન હોવાનું સામે આવતા તેની વિરુદ્ધ ગુનો નોધીને ધરપકડ કરવામાં આવી હતી.
સિંધુભવન રોડ ઉપર એક કારમાં મહિલા અને પુરુષ બેઠા હતા. ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેને બોલાવીને તેની પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂપિયા 1,000નો દંડ માંગ્યો હતો. જ્યારે આ વ્યક્તિ પોલીસ સાથે વાત કરવા આવ્યો ત્યારે પોલીસ જોયું તો તેના કમરે રિવોલ્વર લગાવેલી હતી.
પોલીસે યુવક પાસે જ્યારે રિવોલ્વરનું લાયસન્સ માંગ્યું ત્યારે તેને ફોનમાં લાયસન્સ બતાવ્યું હતું. પરંતુ તેની પાસે રૂબરૂમાં લાયસન્સ નહોતું. આ ઉપરાંત માસ્કનો દંડ ભરવાનું કહેતા યુવકે પોતે ગાંધીનગર પોલીસ ભવનમાં PSI તરીકેની ઓળખ આપી હતી. જેથી પોલીસે તેને આઇકાર્ડ બતાવવા કહ્યું જેથી યુવકે વળતો જવાબ આપ્યો કે તે પાકીટ ઘરે ભૂલી ગયો છે. વસ્ત્રાપુર પોલીસે જ્યારે આ મામલે ઉલટ તપાસ શરૂ કરી ત્યારે પોલીસને હકીકત જાણવા મળી કે આ અસલી પોલીસ નહિં પરંતુ નકલી પોલીસ છે અને તેનું સાચું નામ શૈલેષ મહેશ્વરી છે. જેથી પોલીસે તેની સામે જરૂરી કાર્યવાહી કરી હતી.