Mysamachar.in-જામનગર:
જામનગરના દેવ ગ્રુપ- ઝાલા ગ્રુપ પર છેલ્લા પાંચેક દિવસથી આવકવેરા વિભાગના દરોડાની કામગીરીઓ ચાલી રહી છે, સંભવત: આજે સાંજ સુધીમાં આ બધી કામગીરીઓ પૂર્ણ થયાની જાહેરાત થઈ જશે કેમ કે આ જૂથે રૂ. 150 કરોડના બિનહિસાબી નાણાંકીય વ્યવહારો કર્યા છે એવી કબૂલાત અધિકારીઓ સમક્ષ આપી દીધી છે- એવી વાત વહેતી કરવામાં આવી છે.
ગત્ શુક્રવારે સવારે પાંચ વાગ્યાથી જામનગરના દેવ જૂથના વિવિધ શહેરોમાં આવેલા ઠેકાણાં પર આવકવેરા વિભાગે દરોડા શરૂ કરેલાં અને આજે પાંચમા દિવસે સાંજે પાંચ આસપાસ આ કામગીરીઓ પૂર્ણ થઈ જવાની શકયતાઓ છે. આ દરોડા દરમિયાન રૂ. 3.5 કરોડની રોકડ રકમ મળી આવી છે, રૂ. 2.45 કરોડના મૂલ્યનું 3 કિલો સોનું મળી આવ્યું છે. અને, શરાબની ડઝનથી વધુ બોટલ મળી આવ્યાની પણ ચર્ચાઓ છે. આ જૂથના 16 બેંક લોકર સીલ થયા છે. કંપનીએ રૂ. 150 કરોડનું અન્યત્ર ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે એવી પણ વિગતો બહાર આવી છે.

આ દરોડાની કામગીરીઓ જામનગર ઉપરાંત માળિયા અને અમદાવાદમાં કરવામાં આવી હતી. દેવ જૂથની કંપનીઓ દેવ સોલ્ટ પ્રા.લિ. ઉપરાંત મૈત્રેયી ડેવલપર્સ, ડીકે એન્ટરપ્રાઇઝ અને અરિહંત અર્થમૂવર્સ એન્ડ કોન્ટ્રાક્ટર્સના ઠેકાણાં પર દરોડાની કામગીરીઓ થઈ. આ સાથે જ વિમલ કિર્તી કામદાર, વિવેક સોમાણી તથા રૂપલ કિરણ વ્યાસના રહેણાંકો અને ઓફિસો પર દરોડા પડ્યા હતાં. કંપનીએ રૂ. ત્રીસેક કરોડના ખોટાં ખર્ચ દેખાડી આવકવેરાની ચોરી કરી છે એવા પુરાવાઓ પણ આ દરોડા દરમિયાન મળી આવ્યા હોવાનું કહેવાય છે.
આ જૂથની મોડસ ઓપરેન્ડીની બહાર આવેલી વિગત અનુસાર, આ જૂથ 30 કે તેથી વધુ વર્ષ માટે જમીનો ભાડાપટ્ટે લ્યે છે. ત્યારબાદ બેચાર વર્ષ પછી જમીનોના ભાવ ઉંચા થાય ત્યારે મોટું નાણું મેળવી લઈ આ જૂથ લીઝ પરની જમીનો વેચી મોટી આવક કરતું હોવાનું પણ તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે. આ કંપનીઓએ વેરો બચાવવા કરોડોના મૂલ્યના બિલ વગરના વેચાણ કર્યા છે. કંપનીએ સોલ્ટમાંથી લિકવિડ બ્રોમાઈન બનાવી ઔદ્યોગિક વપરાશકારોને બિલ વગર વેચાણથી આપેલ છે.