Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જગત મંદિર દ્વારકા…આ શહેરમાં નગરપાલિકાનું તંત્ર વર્ષોથી કરવી જોઈતી કામગીરી કરતું નથી તેને પરિણામે દ્વારકા મંદિર સહીત આસપાસ તમામ સ્થળોએ સ્થાયી અને અસ્થાયી દબાણો ખડકાઈ ગયા છે, અને તેમાં કેટલાક કર્મચારીઓની ચોક્કસ પ્રકારની મિલીભગત છે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે.
દ્વારકા જગત મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. સાથે સાથે દિન પ્રતિદિન આ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જગત મંદિરને જોડતા માર્ગો પર અનેક દબાણો વખતો વખત ખડકાઈ ચૂક્યા છે. ત્યારે આજે દ્વારકાના નવનિયુક્ત પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ દ્વારકા નગરપાલિકા દ્વારા અલ્ટિમેટમ અપાયા બાદ વધુ એક વખત ડીમોલીશન હાથ ધરાયું હતું. અહીં પોલીસ સ્ટાફને સાથે રાખીને આશરે 400 જેટલી કેબીનો તથા નાના મોટા દબાણો હટાવવામાં આવ્યા હતા. અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી સ્થાનીકોમાં એવો ગણગણાટ છે કે આ કામગીરી નવનિયુક્ત પ્રાંત અધિકારીએ પોતાની દેખરેખ હેઠળ જો અવિરત રાખે તો દ્વારકા શહેરના મોટાભાગના દબાણો દુર થઇ શકે તેમ છે.