Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શહેરો વિકસિત થઈ રહ્યા છે, નવી નવી લાખો સોસાયટીઝ અને ટાઉનશિપ બની રહી છે, આ રહેણાંક પ્રોજેક્ટસમાં એસોસિએશનની રચના અને મકાનો ખરીદનારાઓ પાસેથી મેન્ટેનન્સ પેટે ઉઘરાવવામાં આવેલી રકમ બાબતે ગુજરાત RERA એ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
RERA માં નોંધાયેલ કોઈ પણ પ્રોજેક્ટના બિલ્ડર અથવા ડેવલપર તે સોસાયટી અથવા ટાઉનશિપ બનાવી લીધાં પછી, તે રહેણાંક પ્રોજેક્ટમાં રહેવાસીઓનું એસોસિએશન બનાવવાની જવાબદારીઓથી બંધાયેલ છે. આ પ્રકારનું એસોસિએશન બનાવવું, એસોસિએશનનું બેંક એકાઉન્ટ ખોલાવવું અને આ પ્રોજેક્ટમાં જે લોકોએ મકાનોની ખરીદીઓ કરી હોય અને તે સમયે બિલ્ડર અથવા ડેવલપરે આ મકાનમાલિકો પાસેથી લાઈફટાઈમ મેન્ટેનન્સની જે કુલ રકમ ઉઘરાવેલી હોય, તે તમામ રકમ તે સોસાયટી અથવા ટાઉનશિપના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાની રહે છે. આ જવાબદારીઓ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બિલ્ડર અથવા ડેવલપરે ફરજિયાત રીતે નિભાવવાની રહે છે- તેમ ગુજરાત RERA એ એક કેસમાં કહ્યું છે.
ગુજરાત RERA ના સેક્શન 11(4)(e) મુજબ, આ પ્રકારની કો-ઓપરેટિવ સોસાયટીની રચનાની જવાબદારીઓ બિલ્ડરની, આ ઉપરાંત સેકશન 17(1) મુજબ, આ સોસાયટીનું મેનેજમેન્ટ બિલ્ડરે સોસાયટીને હેન્ડઓવર કરવાનું, સોસાયટીના તમામ કોમન એરીયાની માલિકી સોસાયટીને આપવાની અને બિલ્ડરે મકાન ખરીદનારાઓ પાસેથી જે લાઈફટાઈમ મેન્ટેનન્સની રકમો વસૂલી હોય તે તમામ રકમ આ સોસાયટીના બેંક એકાઉન્ટમાં જમા કરાવવવાની- આ પ્રકારની જોગવાઈઓ છે.
અમદાવાદના આ કેસમાં ગુજરાત RERA ની બેન્ચે ઉપરોકત ચુકાદા સાથે એમ પણ કહ્યું કે, આ સોસાયટીમાં જ્યાં પણ મકાનોમાં લીકેજિસ હોય તે તમામ બિલ્ડર રિપેર કરાવી આપે અને લાઈફટાઈમ મેન્ટેનન્સની કુલ રકમ રૂ. 3.62 કરોડ સોસાયટીના બેંક એકાઉન્ટમાં જમા કરાવી આપે. આ પ્રોજેક્ટ ચાર વર્ષ અગાઉ પૂર્ણ થયેલો, ત્યારબાદ અત્યાર સુધી ડેવલપરે ઉપરોકત નિયમોનું પાલન કર્યું ન હતું આથી સોસાયટીના 17 રહેવાસીઓ ગુજરાત RERA માં પહોંચ્યા હતાં.(symbolic image)