સગીર વયના છોકરા-છોકરી અથવા પુખ્ત વયના પુરુષ-સ્ત્રી વચ્ચેના જાતિય સંબંધ હંમેશા ચર્ચાઓમાં રહેતાં હોય છે. આ એક જટિલ અને સંવેદનશીલ બાબત છે. આ સંબંધે ઘણાં સામાજિક બંધનો અને કાયદાઓ પણ છે. અને, અનેક ગુનાઓમાં આ જાતિય સંબંધોની ભૂમિકાઓ મહત્વપૂર્ણ પણ હોય છે. આ પ્રકારની સ્થિતિઓ વચ્ચે તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે. જેમાં અદાલતે અવલોકન આપ્યા છે.
જાતિય સંબંધો માટે સંમતિની કાનૂની ઉંમરમાં ઘટાડો કરવો જોઈએ કે નહીં- તેવા મામલાની સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું: બળાત્કાર અને પુખ્તાવસ્થાને આરે આવેલા યુવાઓમાં સાચા રોમેન્ટિક પ્રેમ(કેસ) વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે અને શું તમે એમ કહી શકો કે પ્રેમ કરવો એ ગુનો છે.
અદાલતે જણાવ્યું કે, પુખ્તાવસ્થાને આરે આવેલાં યુવાઓમાં એકબીજા પ્રત્યે લાગણીઓ જન્મતી હોય છે. તેનાથી શું તમે એમ કહી શકો કે, પ્રેમ કરવો એ ગુનાહિત કૃત્ય છે ? આપણે બળાત્કાર વગેરે જેવા ગુનાઓ અને સાચા પ્રેમ વચ્ચે ભેદ પારખવો પડશે.
જાતિય ગુનાઓથી બાળકોને રક્ષણ આપવા જાતિય સંબંધની સંમતિની ઉંમર હાલ 18 વર્ષ છે, આ ઉંમર ઘટાડીને 16 વર્ષ કરવી જોઈએ કે કેમ, એવો સવાલ ઉભો કરતી એક અરજી સુપ્રિમ કોર્ટ સમક્ષ આવી છે જેની સુનાવણીઓ દરમ્યાન અદાલતે ઉપરોકત અવલોકન આપ્યા.
અદાલતે જણાવ્યું: સાચો રોમેન્ટિક પ્રેમ કે કેસ હોય છે ત્યારે તેઓ એકબીજાને પસંદ કરતાં હોય છે અને લગ્ન કરવા માંગતા હોય છે. આવા કેસોને ફોજદારી કેસોની જેમ ન ગણો. તમારે સમાજની વાસ્તવિકતાઓ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. સર્વોચ્ચ અદાલતે એવા યુગલોના માનસિક આઘાતનો પણ ઉલ્લેખ કર્યો કે, જેમાં સામાન્ય રીતે પોકસો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યા પછી છોકરીના માતાપિતા દ્વારા પુરૂષ જિવનસાથીને જેલમાં મોકલવામાં આવે છે. ભાગીને કરવામાં આવતા લગ્નને છૂપાવવા માટે પોકસો હેઠળ પણ કેસ દાખલ કરવામાં આવતાં હોવાનો ઉલ્લેખ કરીને અદાલતે જણાવ્યું કે, આ સમાજની કઠોર વાસ્તવિકતાઓ છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં 18 વર્ષની જાતિય સંબંધની સંમતિની ઉંમરનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, સગીરોને જાતિય શોષણથી બચાવવાની નીતિના ભાગરૂપે આ નિર્ણય સંપૂર્ણ વિચારણા સાથે કરવામાં આવ્યો છે. કિશોરાવસ્થાના પ્રેમસંબંધની આડમાં સંમતિની ઉંમર ઘટાડવી અથવા અપવાદો રજૂ કરવા એ માત્ર કાયદાકીય રીતે અયોગ્ય નહીં હોય પણ તે ખતરનાક પણ હશે.