Mysamachar.in:અમદાવાદ
સોશિયલ મીડિયા આજે મોટો વિષય છે, ખાસ કરીને વિશાળ વસતિ ધરાવતાં ભારત જેવા દેશ માટે. ભારતમાં કરોડો લોકો પાસે મોબાઇલ નામનું રમકડું છે, જેના ઉપયોગ અને દુરુપયોગથી દર મિનિટે સોશિયલ મીડિયા સાઈટ્સ પર કરોડો પોસ્ટ અને વીડિયોઝ અપલોડ થતાં હોય છે. આ સ્થિતિમાં ફેક ન્યૂઝનું પ્રમાણ પણ વધ્યું છે અને ઘણી વખત આ કારણથી ગંભીર સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. આવી સમસ્યાઓ નિવારવા ફેક્ટ ચેક સિસ્ટમ પણ અમલમાં છે. પરંતુ આ આખો મામલો હાલ વડી અદાલતમાં પહોંચ્યો છે, જેમાં યૂઝરના અધિકારનો મુદ્દો ઉપસી આવ્યો છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા IT કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા છે. જેની મદદથી સરકાર સામેના જે ફેક ન્યૂઝ હોય છે તેનાં પર સરકાર નિયંત્રણ મેળવવા જરૂરી કાર્યવાહીઓ કરે છે. આ કાર્યવાહીઓના ભાગરૂપે ઘણાં કિસ્સાઓમાં સોશિયલ મીડિયા પરની કોઈ પોસ્ટ હટાવી દેવામાં આવે છે અથવા સંબંધિત ID ધરાવતું એકાઉન્ટ ટેમ્પરરી અથવા કાયમી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ પ્રકારના મામલામાં તે સોશિયલ મીડિયા યૂઝર પાસે અન્ય કોઈ વિકલ્પ બચતો નથી.
હાઈકોર્ટના બે જજની ખંડપીઠે પ્રશ્ન પૂછ્યો છે: જેની પોસ્ટ આ રીતે એકતરફી પગલાં હેઠળ હટાવી દેવામાં આવી હોય, તે વ્યક્તિ ન્યાય મેળવવા શું કરશે ?
આઈટી કાયદામાં સુધારાઓને પડકારતી ઘણી અરજીઓ હાઈકોર્ટમાં થઈ છે. તેની સુનાવણી દરમિયાન અદાલતે ઉપરોકત ટીપ્પણી કરી છે. સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને એસોસિએશન ઓફ ઈન્ડિયન મેગેઝિન્સ નામની સંસ્થાઓએ હાઈકોર્ટમાં IT નિયમો સામે અરજી દાખલ કરી છે.
આ અરજી કહે છે: આ નિયમોની નાગરિકોના મૂળભુત અધિકારો પર પ્રતિકૂળ અસરો થશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવી દલીલો કરી હતી કે, “નિયમો હેઠળ ફેકટ ચેકિંગ યુનિટ (એફસીયુ)ની રચના કરાયા પછી, કોઈ ફેક કે ખોટી હકીકતો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવશે તો મધ્યવર્તી સંસ્થાઓ પાસે પોસ્ટને હટાવવાનો કે કન્ટેન્ટ ચકાસવાનો કે પોસ્ટ સાથે ડિસ્કલેમર મૂકવાનો વિકલ્પ રહેશે. જો મધ્યવર્તી સંસ્થાઓ કોઈ પગલાં ન લે તો પિડીત પક્ષ (વ્યક્તિ કે સરકાર) પોસ્ટ સામે અદાલતમાં અરજી કરી શકશે. અને મધ્યવર્તી સંસ્થાને અદાલતમાં લઈ જઈ શકશે. ત્યારબાદ કોર્ટ જવાબદારીઓ અંગે નિર્ણય લેશે.
મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે, એફસીયુ દ્વારા કન્ટેન્ટ સામે વાંધો દર્શાવાયા બાદ મધ્યવર્તી સંસ્થાઓ પાસે કોઈ વિકલ્પ નહીં રહે. આ સ્થિતિમાં હાઈકોર્ટની ખંડપીઠે પ્રશ્ન કર્યો હતો કે, જે વ્યક્તિને પોસ્ટ સામે વાંધો ઉઠાવાયો હોય તેની પાસે નિયમો હેઠળ બચાવનો કોઈ વિકલ્પ છે ? મધ્યવર્તી સંસ્થાઓ જ નિયમનું પાલન કરીને કન્ટેન્ટ હટાવી દે તો (જેની પોસ્ટ હટાવી દેવાઈ છે અથવા જેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું છે) એ વ્યક્તિ કયાં જશે ?