Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ઈઝરાયલ શબ્દ ભારતમાં અને ગુજરાતમાં ઘણાં બધાં લોકોને ખૂબ જ ગમે છે. એમાંયે ઈઝરાયલી ટેકનોલોજી પર તો ઘણાં લોકો ઓળઘોળ થઈ ઉઠે છે ! પરંતુ વિધાનસભામાં CAG નો રિપોર્ટ જાહેર થયો છે, તેમાં કેટલીક ટિપ્પણીઓ છે, જે સરકારી તંત્રોની ક્ષતિઓ ઉજાગર કરી રહી છે, તે જાણવાલાયક છે.
CAG નાં આ રિપોર્ટમાં જણાવાયું છે કે, ગુજરાતનાં દરિયાકિનારે કેટલાંક વિસ્તારોમાં દરિયાનાં ખારાં પાણીને મીઠું બનાવવાની દિશામાં ચમત્કારી પરિણામો મેળવવા કેટલાંક વર્ષો પહેલાં ઈઝરાયલ પાસેથી કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાત સરકારે કેટલીક જિપ વસાવી હતી. આ જીપમાં ઈઝરાયલી ટેકનોલોજી આધારિત પંપીંગ મશીનરી બેસાડવામાં આવી હતી અને જેતે સમયે એવો દાવો કરવામાં આવેલો કે, દરિયાકિનારા વિસ્તારોમાં આ જિપ આશિર્વાદરૂપ પૂરવાર થશે, લોકોને મીઠું પાણી ઉપલબ્ધ કરાવી શકાશે. આ બધી વાતોનો કરૂણ અંત આવ્યો છે !
ઈઝરાયલની આ તમામ જિપ દેવભૂમિ દ્વારકા સહિતના રાજ્યના દરિયાકિનારા વિસ્તારોમાં ધૂળ ખાય છે ! જેતે સમયે એવું જાહેર કરવામાં આવેલું કે, આ જિપના ઉપયોગથી દૈનિક હજારો લીટર ખારૂં પાણી મીઠું બનાવી શકાશે. પરંતુ આ દાવાઓ પોકળ પૂરવાર થયાં ! આ જિપ વડે અમુક જથ્થામાં જ મીઠું પાણી મેળવી શકાતું હતું. જેથી આ પ્રોજેક્ટ મોંઘો પડયો. અંતે સરકારી તંત્રોએ આ જિપો રાજ્યભરમાં કાયમ માટે પાર્કિંગ માં મૂકી દીધી, આવી બધી જ જિપ દ્વારકા સહિત રાજ્યભરમાં ધૂળ ખાય છે ! સમગ્ર પ્રોજેક્ટનું અચ્યુતમ કેશવમ થઈ ગયું ! કરોડો રૂપિયા ગયા ખારાં પાણી માં !
ઈઝરાયલનાં તત્કાલીન વડાપ્રધાન દ્વારા ગુજરાતને શરૂઆતમાં આવી બે જિપ ગિફટ આપવામાં આવી હતી. પછી ગુજરાત સરકારે ઈઝરાયલની કંપનીને આવી વધુ જિપ માટે કરોડોનો કોન્ટ્રાક્ટ આપેલો. કેગનો રિપોર્ટ કહે છે : દેવભૂમિ દ્વારકા તથા કચ્છ જિલ્લામાં આ ઈઝરાયલની જિપ ધૂળ ખાય છે !