Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતની વડી અદાલતે એક ‘રિકવરી’ મામલામાં પોલીસને આકરા પ્રશ્નો પૂછ્યા છે. વેપારીઓ વચ્ચેના નાણાંકીય વ્યવહારોના મામલાઓમાં પોલીસે બિનજરૂરી રીતે વધુ પડતો રસ શા માટે લેવો પડે છે- આ મુદ્દે વડી અદાલત નારાજ છે. મામલો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સંબંધિત હતો જેમાં વડી અદાલતે સમગ્ર રાજ્યની પોલીસની મોડસ ઓપરેન્ડી સામે સવાલો ઉઠાવ્યા છે.
આ મામલાની જાહેર થયેલી વિગતો એવી છે કે, 2 વેપારીઓ વચ્ચે વિવાદ ચાલતો હતો. એક વેપારીનો આરોપ એવો છે કે, ફલાણા વેપારીએ ફલાણો માલ નબળો આપ્યો. બીજો વેપારી એમ કહે છે કે, ફલાણા વેપારી પાસેથી મારે માલના રૂ. 21 લાખ લેવાના છે, તે નાણાં વેપારી આપતો નથી. જે વેપારી રૂ. 21 લાખની ઉઘરાણી કરી રહ્યો છે, એ વેપારીને પોલીસનો ‘સાથ’ મળી રહ્યો છે, અને સામેનો વેપારી પોલીસથી પરેશાન છે.
આ કેસમાં જે વેપારી નબળા માલ મુદ્દે પરેશાન છે, તેણે અરજી કરી. તેની અરજી પર પોલીસ ધ્યાન આપતી નથી. આ વેપારીના વકીલે કહ્યું: આ આખો મામલો વ્યાપારી લેવડદેવડનો છે, એમ છતાં પોલીસ મારાં અસીલને ‘હેરાન’ કરી રહી છે. વકીલે આગળ કહ્યું: એટલું જ નહીં, મારાં અસીલે નબળા માલ મુદ્દે સામેના વેપારી વિરુદ્ધ ફરિયાદ રજૂઆત કરી, તો પણ પોલીસ મારાં અસીલની ફરિયાદ લેતી નથી.
આ મામલો વડી અદાલતમાં પહોંચતા અદાલતે રાજ્યના પોલીસ વડા, સંબંધિત DIG અને તમામ શહેરોના પોલીસ કમિશનરોને નિર્દેશ આપ્યો કે, આ પ્રકારના મામલાઓ ચકાસો. સિસ્ટમમાં સુધારાઓ લાવો. વડી અદાલત ત્યારે વધુ નારાજ થઈ જ્યારે અરજદાર વેપારીએ એમ કહ્યું કે, મને તથા મારાં ભાગીદારને બાવળા, ચાંગોદર અને સૌરાષ્ટ્રના જેતપુર પોલીસ સ્ટેશનો પરથી ફોન આવે છે અને અમને કહેવામાં આવે છે કે, સામેના વેપારીને રૂ. 21 લાખ ચૂકવો.
અદાલતે આ મામલામાં સરકારને પૂછ્યું: પોલીસ રિકવરી એજન્ટ છે ? અદાલતે અમદાવાદ ગ્રામ્યના મહિલા ડીવાયએસપીને આદેશ કર્યો કે, 23 ઓક્ટોબર પહેલાં અદાલતમાં એફિડેવિટ ફાઇલ કરી, આ મામલામાં પોલીસની ભૂમિકા સમજાવો. સિવિલ વિવાદમાં પોલીસ શું ભૂમિકાઓ બજાવી રહી છે ? અદાલતે વધુમાં નોંધ કરી કે, આ વેપારી લેવડદેવડનો મામલો છે જેમાં પોલીસે બિનજરૂરી રસ દેખાડ્યો છે અને પ્રથમ દર્શનીય રીતે આમ દેખાઈ રહ્યું છે.
વડી અદાલતે આ મામલામાં એમ પણ કહ્યું કે, વેપારીઓની લેવડદેવડના મામલાઓ અને સ્થાવર મિલકતોના મામલાઓમાં પોલીસ ‘બિનજરૂરી’ રીતે વધુ પડતો રસ લેતી હોય એવા અનેક ઉદાહરણો છે. જે દર્શાવે છે કે, પોલીસ પોતાના કાર્યક્ષેત્રની ‘બહાર’ની આવી બાબતોમાં બહુ રસ લેતી હોય છે.
વડી અદાલતે એમ પણ કહ્યું કે, કહેવાની જરૂર નથી, સૌ જાણે છે કે, રાજ્યમાં ટ્રાફિક સમસ્યાઓ, ડ્રગ્સ, શરાબ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિઓ, જૂથ અથડામણો, મારામારી, હુમલા, હાથમાં તલવારો, છરીઓ અને રિવોલ્વર ધારણ કરી ભય ફેલાવવો વગેરે બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. આ બધી જ બાબતો પ્રત્યે પોલીસે ખૂબ ગંભીર રહેવું પડે, લોખંડી હાથે કામ લેવું જોઈએ, તેને બદલે પોલીસ આવા વેપારીઓ વચ્ચેના નાણાંકીય વ્યવહારો પર ફોક્સ કરશે તો રાજ્યના લોકો આ સ્થિતિઓમાં સલામતીનો અહેસાસ કેવી રીતે કરી શકશે ? આ મામલાની આગામી સુનાવણી 23 ઓક્ટોબરે છે.