Mysamachar.in-ઇન્ફોર્મેશન ડેસ્ક:
સમયની સાથે પેકેજડ દૂધનું વેચાણ મોટાપાયે થઈ રહ્યું છે. ઘણાં કિસ્સાઓમાં એવું પણ બને છે કે, ગ્રાહક આઉટલેટ પરથી દૂધની કોથળી ઘરે લઈ જાય, કોથળી ખોલ્યા પછી ખબર પડે કે દૂધ બગડેલું છે ! સામાન્ય રીતે આવાં કિસ્સાઓમાં રિટેઈલર અથવા કંપની ડેપો ગ્રાહકોને સંતોષકારક જવાબ કે સેવા આપતાં નથી હોતાં. હવે આ સમસ્યાનો ઉકેલ નજીક છે. નવી ટેક્નોલોજીનો આવિષ્કાર થયો છે. દેશની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચનાં વડા વૈજ્ઞાનિક ડો. રાજેશ્વર દ્વારા આ ટેકનોલોજીની જાહેરાત તાજેતરમાં નોઈડા ખાતે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનનાં નેશનલ સમારોહ દરમિયાન કરી.
આ ટેકનોલોજી અંતર્ગત દરેક કોથળી પર એક ઇન્ડિકેટર આપવામાં આવશે. જે દૂધની ક્વોલિટી દર્શાવશે (દૂધ કેટલાં પ્રમાણમાં સારૂં અથવા ખરાબ છે ?). આ ઇન્ડિકેટર લગાવવા કંપનીને કોથળી દીઠ વધીને 25 પૈસાનો ખર્ચ થશે. કોથળી અંદરનું દૂધ બગડી જશે ત્યારે આ ઈન્ડિકેટરનો રંગ બદલી જશે એટલે દૂધ ખરીદનાર અને વેચનારને આ અંગે કોથળી ખોલ્યા વિના જ ખબર પડી જશે કે દૂધ પીવા યોગ્ય છે કે કેમ ?! આ ટેકનોલોજીને વિજ્ઞાનની ભાષામાં લેબલ બેઈઝડ ક્વોલિટી ટેકનોલોજી કહેવામાં આવે છે. આ ટેકનોલોજી નજીકનાં ભવિષ્યમાં પેકેજડ દૂધનાં ગ્રાહકો માટે આશિર્વાદરૂપ પૂરવાર થશે.