Mysamachar.in-રાજકોટ:
સૌરાષ્ટ્રના ભૌગોલિક પાટનગર કહી શકાય એવા શિરમોર શહેર રાજકોટ નજીક આજથી 7 વર્ષ અગાઉ કહેવાતા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ખાતમુહૂર્ત થયાના આજે સાત વર્ષ બાદ પણ, અહીંથી દેશના માત્ર 7 જ શહેરમાં જઈ શકાય છે અને વિદેશ જવા માટે તો ફરજિયાત રીતે, લાખો ગુજરાતીઓને અમદાવાદ જ જવું પડે છે. બીજી તરફ, સમગ્ર ગુજરાતની છાપ ગ્લોબલ સ્ટેટ તરીકે વિકસાવવા ભરચક પ્રયાસો થઈ રહ્યા છે.
એક આરટીઆઈના જવાબમાં રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ આ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન ક્યારે થશે એવા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે,’માહિતી ઉપલબ્ધ નથી’. અત્રે ઉલ્લેખનિય છે કે, આ એરપોર્ટ બનાવવા પાછળ પાછલાં 7 વર્ષ દરમિયાન રૂ. 1,271 કરોડનો ખર્ચ થયો છે. ગ્લોબલ સ્ટેટ બનવા સતત પ્રયત્નશીલ એવા ગુજરાતના આ શહેરથી દેશના માત્ર 7 જ શહેરો એર કનેકટેડ છે અને વિદેશ જવા કે વિદેશથી અહીં આવવા, આ એરપોર્ટ પર હજુ સુધી કોઈ જ સુવિધાઓ વિકસાવી શકાઈ નથી. એ માટે અમદાવાદ જવું ફરજિયાત છે.

ગત્ ઓગસ્ટમાં સરકારે એક પ્રશ્નના જવાબમાં લોકસભામાં કહ્યું: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની પ્રક્રિયાઓમાં સરકારની કોઈ પ્રત્યક્ષ ભૂમિકાઓ હોતી નથી. આ બાબતનો નિર્ણય ટ્રાફિક ડિમાંડ, એરપોર્ટની ફ્લાઇટ્સ હેન્ડલિંગ કેપેસિટી અને સુરક્ષા માળખાની સુવિધાઓ વગેરે બાબતોના આધારે થતો હોય છે. આ ઉપરાંત કોઈ પણ એર રૂટ આર્થિક રીતે વ્યવહારૂ છે કે કેમ, એ પણ જોવું પડતું હોય છે.
