Mysamachar.in-અમદાવાદ
ક્યારેક હદ વટાવી દે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે, તસ્કરો ચોરી કરી જાય તે વાત બરોબર…પણ અમુક વખતે ચોરીના વિચિત્ર કિસ્સાઓ વિચારતા કરી દે છે, વાત અમદાવાદ શહેરની છે જ્યાં તસ્કરો કાઈ નહિ તો શબવાહિની ચોરી જતા જોવા જેવી થઇ છે, ફાયર સ્ટેશનમાંથી 30 લાખની શબવાહી ચોરીને ફરાર થઈ ગયા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પુવાર પ્રહલાદનગર રોડ પર આવેલા ફાયર બ્રિગેડના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહે છે. તેઓ આ જ ફાયર સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓ ફાયર બ્રિગેડમાં શબવાહીની ચલાવે છે. તાજેતરમાં જ આ ફાયર સ્ટેશનમાં એક નવી શબવાહીની આવી હતી, જે વિજયસિંહ ચલાવતા હતા. આ વાહનનો નંબર GJ 01GA 2169 છે. રવિવારના રોજ તેઓ આ શબવાહીની લઈને બોડકદેવ ખાતેની વર્ધીમાં ગયા હતા.
ત્યાંથી પરત આવીને સાંજના સાતેક વાગ્યે ફાયર બ્રિગેડના પાર્કિંગમાં શબવાહિની પાર્ક કરી હતી. આ વાહન ઇમર્જન્સી વાહન હોવાથી ગાડીની ચાવી સ્ટિયરિંગમાં જ રાખી હતી. આજે સવારે સાત વાગ્યે પાર્ક કરેલી જગ્યાએ શબવાહિની જણાઈ ન હતી. આ મામલે તેઓએ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. આસપાસમાં તપાસ કરી હતી. જોકે, આસપાસમાં શબવાહીની ન મળી આવતા નજીકમાં આવેલા ફ્લેટ તથા કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્શો 30 લાખની કિંમતની આ શબવાહિની ચોરી કરી પ્રહલાદનગર થઈ એસજી હાઇવે તરફ જતા હોવાના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. આ મામલે તેઓએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી.