Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના દરેડ ખાતે આવેલાં BRC ભવનમાં સેંકડો વિદ્યાર્થીઓને આપવાના થતાં, રાજ્ય સરકારમાંથી આવેલાં હજારો પુસ્તકો અને સહાયક પુસ્તકો વરસાદી પાણીમાં પલળી ગયાના મામલે મોટો ઉહાપોહ મચી ગયા પછી, સરકારી સ્ટાઈલ મુજબ આ આખા મામલાને તપાસ સમિતિના નામ હેઠળ રહસ્યમય રીતે ‘દબાવી’ દેવામાં આવતો હોવાની સ્થિતિઓ જોવા મળી રહી છે, બીજી તરફ અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે- આ આખા મામલામાં ઉચ્ચ અધિકારી ખુદ જવાબદારો સામે આ મામલામાં ‘કૂણી લાગણીઓ’ ધરાવતાં હોય એવું બની શકે- કારણ કે સૂત્ર જણાવે છે કે, આ મામલામાં પોલીસ વિભાગ માફક આરોપીને ચોક્કસ પ્રકારની સુવિધાઓ ઉચ્ચ કક્ષાએથી આપવામાં આવી રહી હોવાનું દેખાઈ રહ્યું છે- તપાસ રિપોર્ટ તૈયાર હોવા છતાં !!
પુસ્તકો અને વૈકલ્પિક પુસ્તકો ચોક્કસ અધિકારી( પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર)ની બેદરકારીઓને કારણે પલળી ગયા અને સેંકડો છાત્રો આ સાહિત્યથી શૈક્ષણિક સત્ર દરમિયાન વંચિત રહ્યા- આ આખો મામલો અતિ ગંભીર બેદરકારીઓનો છે. આમ છતાં બબ્બે મહિનાથી જામનગરનો શિક્ષણ વિભાગ આ મામલે ચાંચુડી ઘડાવું છે એ કહેવત અનુસાર, ધીમા પગલે શા માટે ચાલે છે ? શા માટે જવાબદારો અને તપાસ ટીમના સભ્યોને ‘રજા’ પર ભાગી જવાની સગવડો કરી આપવામાં આવી રહી છે ?! એ જ દર્શાવે છે કે, આ મામલામાં ચોક્કસ અને ઉચ્ચ કક્ષાએથી તપાસ સમિતિ નામનું નાટક ભજવવામાં આવી રહ્યું છે.
Mysamachar.in દ્વારા આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેઓએ થઈ રહેલાં વિલંબનો આડકતરો બચાવ કરતાં કહ્યું કે, તપાસ સમિતિના વિવિધ સભ્યોની રજાઓ અને જેમની સામે તપાસ ચાલી રહી છે એ ખુદ રજાઓ પર ઉતરી જતાં, મામલો ખેંચાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મુખ્ય અધિકારીએ આડવાતમાં આડકતરો સંકેત એવો આપ્યો કે, સરકારમાં સામાન્ય રીતે બધી જ તપાસો ‘આ રીતે’ ચાલતી હોય છે !! આ જવાબ ઘણું કહી જાય છે. સમજદાર કો ઈશારા કાફી….