Mysamachar.in-વલસાડ
વલસાડ જિલ્લા પોલીસને એક મોટી સફળતા મળી છે. જેમાં કરોડો રૂપિયાની કિંમતના ચોરી કરેલા મોટા વાહનો સાથે આંતરરાજ્ય વાહનચોર ગેંગના 3 સાગરીતોને ઝડપી 1.14 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યા છે, ઝડપાયેલા શખ્સોએ દેશના વિવિધ રાજ્યોમાં થયેલા મોટા વાહનોની ચોરીના અનેક ગુન્હાઓની કબુલાત પોલીસ સમક્ષ કરી દીધી છે, વલસાડ એલસીબી ટીમે વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી, અને ત્યારબાદ તેમની આગવી ઢબે પૂછપરછ કરતા એક મસમોટું આંતરરાજ્ય વાહન ચોરીનું રેકેટ ઝડપાયું છે. આરોપીઓ પાસેથી દેશભરના વિવિધ રાજ્યોમાંથી ચોરી કરેલા 13 મોટા આઈસર ટેમ્પો અને 2 કાર મળી કુલ 15 વાહનો કબજે કર્યા છે, અને રૂપિયા 1.14 કરોડના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વાહન ચોરીના રેકેટમાં ઝડપાયેલા આરોપીઓ મોહમ્મદ સલમાન મહંમદ શકીલ, મહમૂદ રમઝાન ખાન, મોહમ્મદ જાબીર અબ્દુલ ગફાર શેખ નામના ત્રણેય આરોપીઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટેભાગે બ્રાઉન કલરના આઇશર ટેમ્પો અને કાર જેવા મોટા વાહનોની ચોરી કરતા હતા, ત્યારબાદ ટોટલ લોસમાં ગયેલા વાહનોની આર.સી બુક મેળવતા હતા. ત્યારબાદ આ વાહનોના ચેચીસ અને એન્જિન સાથે છેડછાડ કરી એનકેન પ્રકારે પૂર્વોત્તર રાજ્યો એટલે કે નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ જેવા રાજ્યોના આરટીઓમાંથી એન.ઓ.સી મેળવી લેતા હતા, અને ત્યારબાદ પૂર્વોત્તરના રાજ્યોમાંથી હજારો કિલોમીટર દૂર આવેલા સંઘપ્રદેશ દમણના આર.ટી.ઓ વિભાગમાં તે ચોરીના વાહનોનું રી-પાર્સિંગ કરાવી અને તેને વેચી મારતા હતા.
આ ભેજાબાજ વાહનચોર ગેંગે અત્યાર સુધી અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે. પોલીસે અત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી ચોરી કરેલા બ્રાઉન કલરના 13 આઇશર ટેમ્પો અને 2 કાર મળી ચોરીના કુલ 15 વાહનો જપ્ત કર્યા છે.. જેની કુલ કિંમત 1.14 કરોડ થી વધુ થાય છે. પોલીસે આ આંતરરાજ્ય વાહનચોર ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી. દેશના મહારાષ્ટ્ર દિલ્લી સહિત અન્ય રાજ્યોમાં થયેલા મોટા વાહનોની ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે,