Mysamachar.in-સુરતઃ
સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવનાર વેવાઇ-વેવાણ સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે, બંને સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા, જ્યાં પોલીસ સમક્ષ બંનેએ ઘરેથી કેવી રીતે ભાગ્યા હતા, ક્યાંથી અને ક્યાં રોકાયા હતા તે અંગે માહિતી જણાવી હતી. એટલું જ નહીં બંને ઘરેથી ક્યાં કારણોસર ભાગ્યા હતા એ બાબતે પણ વેવાઇ-વેવાણે જણાવ્યું હતું. 16 દિવસ સુધી નાસતા ફરતા વેવાઇ-વેવાણ ગત રવિવારે રાતે પાછા ફર્યા હતા, વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં તેમણે પોતાની ભુલ થઇ હોવાનું નિવેદન આપ્યું હતું. હું મારી મરજીથી ગઈ હતી અને મરજીથી આવી છું.
તો પોલીસમાં હાજર થયેલા વેવાઈએ પોતાના નિવેદનોમાં ઘણી જ ચોંકાવનારી વાતો કહી છે. તેમણે કહ્યું કે, 25 વર્ષ પહેલા તેઓ પિતા સાથે કતારગામ રહેતા હતાં. જ્યાં તેમની ઓળખાણ વેવાણ જોડે થઇ હતી. તેઓને એકબીજા સાથે પ્રેમ થયો હતો. પરંતુ અમુક કારણોસર તેમના લગ્ન થયા ન હતાં. જે બાદ વેવાણ અને વેવાઈનાં અલગ અલગ જગ્યાએ લગ્ન થયા હતાં. જે બાદ ફરીથી એક પ્રસંગમાં બંન્ને મળ્યા હતા જે બાદ ફરીથી તેઓ અવારનવાર વાતો અને મળતા થયા હતાં. આ દરમિયાન તેમના દીકરા-દીકરીની સગાઈ પણ થઇ ગઇ હતી. દીકરા-દીકરીની સગાઈ બાદ વેવાણનાં પતિને પોતાની પત્ની પર શક જતા સગાઈ તોડવાની વાત કરતા હતાં. ત્યારે વેવાણને ડર લાગ્યો કે જો આ વાત બહાર આવશે તો સમાજમાં બદનામી થશે. જેથી બંન્નેએ ઘર છોડીને જતા રહેવાનું નક્કી કર્યું હતું. જે બાદ તેમની વાત સાંભળીને વેવાણ પણ 10મી તારીખે બુલેટ લઇને વેવાણને લેવા આવ્યાં હતાં. જ્યાંથી બંન્ને કડોદરામાં એક જગ્યાએ બુલેટ મુકીને બસમાં ઉજ્જૈન ગયા હતાં. જ્યાં તેઓ એક ગેસ્ટ હાઉસમાં 16 દિવસ રહ્યાં હતાં.
બીજી બાજુ સુરતના જાણીતા વકીલે સમાધાનકારી વલણ અપનાવી બંનેને પોતાના ઘરે જવા માટે તૈયાર કર્યા હતા. જે બાદ ગત રવિવારે વેવાઈ વેવાણ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. વેવાણનાં પતિએ તેમને હવે અપનાવવાની ના પાડી દીધી છે. જેથી તેમને તેમના પિતા લેવા માટે આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે સુરત અને નવસારીનાં યુવક-યુવતીના લગ્ન 14મી ફેબ્રુઆરી વૅલેન્ટાઇન ડૅનાં દિવસે થવાના હતા. તેમની સગાઈ થઇ ગઇ હતી. લગ્નની મોટા ભાગની તૈયારીઓ પણ થઇ ગઈ હતી. લગ્ન થાય તે પહેલા વરરાજાનાં પિતા અને વરવધૂની માતા બંને અચનાક ગુમ થઇ ગયા હતા. ત્યારે પરિવારનાં જણાવ્યા અનુસાર, વરરાજાના પિતા અને વરવધુની માતા બંને લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. ત્યારે એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે આ બંનેએ લગ્ન પણ કરી લીધા છે. ઘણાં દિવસો સુધી ન મળતા બંન્ને પરિવારે અંતે આ અંગે પોલીસમાં જાણ કરી હતી. આ બધુ થતા જેમના લગ્ન થવાના હતા તેમણે પણ પોતાની સગાઈ તોડી નાંખીને લગ્ન ફોક કર્યા છે.