Mysamachar.in-જામનગર:
કોઈ પણ મહાનગરનો વિકાસ તે શહેરની મહાનગરપાલિકાની આવક પર આધારિત હોય છે. અને, દરેક મહાનગરપાલિકાએ શહેરના વિકાસ માટે તથા કરદાતા નગરજનોની સુવિધાઓ તથા સુખાકારી માટે, આત્મનિર્ભર બનવા, સ્વભંડોળની આવક વધારવી પડે. આ માટે મહાનગરપાલિકાએ સ્થાનિક વેરા તથા ચાર્જીસની આવક વધારવી પડે. આ આવક વધારવા યોગ્ય પોલિસી ઘડવી પડે અને તેનો ચુસ્ત અમલ કરવો જરૂરી બની જતો હોય છે, જામનગરના કરદાતા નગરજનોની કમનસીબી એ છે કે, આ બાબતમાં મહાનગરપાલિકાના રંગઢંગ વાજબી અને તાર્કિક નથી- એવો કરદાતા નગરજનોનો મત છે, જે શાસકોએ ધ્યાન પર લેવો જોઈએ.
જામનગરના 40 ટકા જેટલાં કરદાતા નગરજનો મહાનગરપાલિકાને નિયમિત રીતે બધાં જ પ્રકારના વેરાઓ અને ચાર્જીસ ચૂકવે છે. આ કરદાતાઓ શહેરનો શ્વાસ છે, કરોડરજ્જુ છે. આ કરદાતાઓને અફસોસ છે, તેઓ કહે છે- અમે નિયમિત રીતે અને એડવાન્સમાં પણ મહાનગરપાલિકાને વેરાઓ અને ચાર્જીસ આપીએ છીએ, અમે ફરજો બજાવીએ છીએ છતાં મહાનગરપાલિકાના શાસકો અમારી કદર કરતાં નથી. અમને વાજબી પ્રોત્સાહન આપતાં નથી. અમને નોંધપાત્ર કેશ ડિસ્કાઉન્ટ આપતાં નથી. અને, જે નગરજનો મહાનગરપાલિકાને વર્ષો અને દાયકાઓ સુધી આ નાણાં ચૂકવતા નથી, એમને મહાનગરપાલિકા ફાયદો કરી આપે છે !

પ્રમાણિક કરદાતાઓ કહે છે: અમો મહાનગરપાલિકાને યોગ્ય સમયે નાણાંની ચૂકવણી કરીએ છીએ, એ અમારી ભૂલ છે ? અમારો વાંક છે ? અમે મૂરખ છીએ ?! અમે શહેરના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ, એ બાબત શાસકો શા માટે ધ્યાન પર લેતાં નથી ?! અને, જે લોકોએ વર્ષો કે દાયકાઓ સુધી મહાનગરપાલિકાને વેરાઓ ન આપ્યા હોય, ચાર્જીસ ન આપ્યા હોય- એમને બે પાંચ ટકા નહિ પણ 100% વ્યાજમાફી શા માટે ?! ખરેખર તો એમને દંડ થવો જોઈએ. પ્રમાણિક કરદાતાઓ સાથે આ હળાહળ અન્યાય છે.
મહાનગરપાલિકા લોકોને ‘ચોર’ બનવાની પ્રેરણા શા માટે આપી રહી છે ?! શાસકોને મહાનગરપાલિકાની આર્થિક તંદુરસ્તી સુધારવામાં રસ નથી ?! શાસકો પ્રમાણિક કરદાતાઓ અંગે શા માટે કશું વિચારતા નથી ?! આ સ્થિતિઓમાં શહેરનો વિકાસ ખોડંગાતો ચાલે એમાં શી નવાઈ ?! શા માટે પ્રમાણિક કરદાતાઓને શહેરના ભરપૂર વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યા છે ?! આ ‘પાપ’ કોનું છે, બંધ થવું જોઈએ- એવો પૂણ્યપ્રકોપ પ્રમાણિક કરદાતાઓ વ્યક્ત કરી રહ્યા છે. અને, એમ પણ કહી રહ્યા છે કે, આ પ્રકારની નીતિને કારણે વેરાઓ અને ચાર્જીસ વધારવા પડી રહ્યા છે અને એ ડામ પણ પ્રમાણિક કરદાતાઓએ સહન કરવા પડી રહ્યા છે. આ તો ગુજરાતી કહેવત ” ગાય ને દોહી, શ્વાન ને દૂધ પિવડાવવું ” જેવો ઘાટ છે. આ અન્યાય પણ છે અને બુદ્ધિનું દેવાળું પણ.