Mysamachar.in:અમદાવાદ
ગુજરાત સરકાર અને પ્રાથમિક શિક્ષકો (વિદ્યાસહાયક) વચ્ચે આંતરજિલ્લા બદલીઓ મુદ્દે ઘણાં સમયથી મતભેદો ચાલી રહ્યા હતાં, વડી અદાલતે આ પ્રકરણમાં સરકારની નીતિને યોગ્ય લેખાવી છે. શિક્ષકોએ આંતરતાલુકા બદલીઓ અંગે પણ તકરાર લીધી હતી પરંતુ તેમાં વડી અદાલતે શિક્ષકોને એક બોધપાઠરૂપ સલાહ આપી છે. ગુજરાતમાં અગાઉ એવો નિયમ હતો કે, કોઈ પણ પ્રાથમિક શિક્ષક પોતાની નોકરીનાં દસ વર્ષ પૂર્ણ કરે પછી જ આંતર જિલ્લા બદલીઓ માટે યોગ્ય બની શકે, સરકારે 2022 માં નવો ઠરાવ પસાર કર્યો અને ટ્રાન્સફર પોલિસીમાં ફેરફાર કરી જણાવ્યું કે, હવે સર્વિસના પાંચ વર્ષ પછી શિક્ષક આંતર જિલ્લા બદલીઓ માંગી શકશે. જો કે સરકારે સાથે સાથે એ પણ કહ્યું કે, સર્વિસ નાં દસ વર્ષ પૂર્ણ થયાં પછી જ શિક્ષક આંતર તાલુકા બદલીઓ મેળવી શકશે. અને, વડી અદાલતે આંતર તાલુકા બદલીઓ અંગેની સરકારની ટ્રાન્સફર પોલિસીને યોગ્ય ઠેરવી છે.
સરકારનો 21 જાન્યુઆરી, 2014નો આ ઠરાવ અદાલતે માન્ય રાખ્યો છે. સરકારની ટ્રાન્સફર પોલિસીને શિક્ષકોએ ગત્ એપ્રિલ મે દરમિયાન હાઈકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવએ કહ્યું કે, સરકારની આ ટ્રાન્સફર પોલિસી બંધારણનાં કોઈ નિયમ વિરુદ્ધ નથી. સરકારની આ પોલિસી શિક્ષકો અને છાત્રોના હિતમાં છે. અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ઘણાં બધાં શિક્ષકો આંતર તાલુકા બદલીઓ ઇચ્છી રહ્યા છે. તેઓ આ નિર્ણયથી અકળાયા છે.