Mysamachar.in:રાજકોટ
જામનગર અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં પ્રદૂષણ બહુ સંવેદનશીલ અને ગંભીર મુદ્દો છે. જમીનો, ભૂગર્ભજળ, નદીઓ અને શહેરોનું વાતાવરણ વિવિધ પ્રકારના પ્રદૂષણને કારણે ઝેરી અને જોખમી બની રહ્યા છે. પરંતુ ખાસ કરીને સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ – આ મુદ્દે સંવેદનશીલ ન હોવાની કમનસીબ સ્થિતિને કારણે પરિસ્થિતિ વધુ બદતર બની રહી છે. રાજ્યનાં વન અને પર્યાવરણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે રાજકોટની મુલાકાત લીધી. તેઓએ ચિંતા વ્યક્ત કરી કે, ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યા છે. સામૂહિક સ્વાસ્થ્ય પરનાં જોખમો વધી રહ્યા છે. જેમાં ઉદ્યોગોની ભૂમિકા નકારાત્મક છે. આમ છતાં, માત્ર દંડ અને નોટિસ જેવી જ કાર્યવાહીઓ થતી રહે છે. પ્રદૂષણ યથાવત્ રહે છે. પ્રદૂષણ નિયંત્રણ સંબંધે પરિણામલક્ષી કામગીરી નથી થતી.
મંત્રીની ચિંતાઓ સ્થાનિક સ્તરે કશું પરિવર્તન લાવી શકશે ? સો મણનો સવાલ આ છે ! કાર્યક્રમો અને ઉત્સવોમાં ભાષણો અને નિવેદનો થતાં રહે છે. બીજી બાજુ પદાધિકારીઓ અને અધિકારીઓની ધરાર ઉદાસીનતાને કારણે પ્રદૂષણ મુદ્દે સ્થાનિક ધોરણે કશું થતું નથી. જામનગરનો દાખલો પણ મૌજૂદ છે. પ્રદૂષણ પેદાં કરતી લોબી પાટનગર આવ-જા કરતી હોય છે ! તેઓ સ્થાનિક અધિકારીઓને ગણકારે ?! અને, જનપ્રતિનિધિઓ પ્રદૂષણ જેવાં સંવેદનશીલ અને ગંભીર મુદ્દાઓ પર ક્યારેય, કશું બોલવામાં માનતાં નથી હોતાં પરીણામે મંત્રીઓની આ પ્રકારની ડાહી વાતો અને ચિંતાઓ, આખરે વાંઝણી પૂરવાર થતી રહે છે ! બધું જ, બધે જ જેમ ચાલતું હોય એમ ચાલ્યે રાખે છે ! દરેક પીઠની આગળનાં ભાગમાં એક પેટ પણ હોય છે – આ ઉક્તિ પ્રદૂષણ નિયંત્રણ ક્ષેત્રમાં પણ લાગુ પડે છે ?!