Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર રાજ્યમાં હવે મિલકતોના વેચાણ દસ્તાવેજો સંબંધિત સબ રજીસ્ટ્રારે અક્ષરેઅક્ષર વાંચવા પડશે અને તેમાં ‘રોકડા’ કેટલાં રૂપિયાની લેવડદેવડ થઈ એ શોધી કાઢવું પડશે. કારણ કે, આ રકમ જો નિયત મર્યાદા કરતાં વધુ હશે તો તે અંગે સંબંધિત આવકવેરા વિભાગને ‘જાણ’ કરવાની રહેશે.
રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવનએ સમગ્ર રાજ્યના તમામ સબ રજીસ્ટ્રારને આ હુકમ કર્યો છે. આ હુકમમાં કહેવાયું છે કે, ” સ્થાવર મિલકતની તબદિલી અથવા તબદિલીને અસર કરતાં દસ્તાવેજો કે જેમાં અવેજનો ઉલ્લેખ હોય અને આ અવેજ તરીકે દસ્તાવેજમાં રૂ. 2 લાખ કે તેથી વધુની રકમ ‘રોકડ’ તરીકે આપવાનો ઉલ્લેખ હોય તો, તે દસ્તાવેજની સઘળી માહિતીની જાણ નજીકના IT સતાધિકારીને આપવાની રહેશે. “

ગઈકાલે શુક્રવારે રાજ્યના તમામ સબ રજીસ્ટ્રારને આ પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે. અધિકારીઓ કહે છે: દસ્તાવેજમાં રોકડ સંબંધે આવો કોઈ ઉલ્લેખ છે કે કેમ, એ ચકાસણીઓ માટે અન્ય કોઈ ઓનલાઈન કે ઓફલાઈન પદ્ધતિઓ ન હોવાથી દરેક સબ રજીસ્ટ્રાર કચેરીએ આ તમામ દસ્તાવેજ અક્ષરેઅક્ષર વાંચી, આવું લખાણ શોધવાનું રહેશે. આથી દસ્તાવેજ નોંધણી સમયે, કચેરીમાં વધુ સમય લાગશે.
આ પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે, જો સબ રજીસ્ટ્રાર આ માહિતીઓ છૂપાવશે તો તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીઓ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ‘રોકડા’ની આ બધી વિગતો આવકવેરા વિભાગને ‘તૈયાર’ મળી જશે. જેના આધારે આગામી સમયમાં આવકવેરા વિભાગ કાળા નાણાં સંબંધે શું શું કામગીરીઓ કરશે, એ જાણવું રસપ્રદ બનશે.(symbolic image)
