Mysamachar.in-
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પૈકી ઈન્સ્ટાગ્રામનો ફેલાવો જબરો છે. કરોડો યુઝર્સ તેના પર રિલ્સ વગેરે જોઈ રહ્યા છે. આ યુઝર્સ પૈકી નાના બાળકોને ઈન્સ્ટાગ્રામની વિપરીત અસરોથી બચાવવા અનેક પ્રકારના સુરક્ષા ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તેમાં એક નવું ફીચર પણ ઉમેરાયું છે. હવે આ એકાઉન્ટ બનાવવા સાચી ઉંમર દર્શાવવી પડશે.
ઈન્સ્ટાગ્રામ દ્વારા અદભુત ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે. 16 વર્ષથી ઓછી વયના યુઝર્સ માટે અનેક સ્તરની સુરક્ષા નક્કી કરી છે. મેટાએ ભારતમાં ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે. ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતાં બાળકો પર તેના માતાપિતાની નજર રહેશે.
લાંબા સમય સુધી રાહ જોયા બાદ, ભારતમાં યુઝર્સ માટે આ ફીચર રોલઆઉટ કરવામાં આવ્યું છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના પ્લેટફોર્મ દ્વારા આ સુરક્ષા નિશ્ચિત કરવામાં આવી છે. મેટાએ તેના ફોટો અને વીડિયોઝ શેરિંગ પ્લેટફોર્મ પર ટીનએજર માટે ટીન એકાઉન્ટ ફીચર શરૂ કર્યું. આ સુવિધાઓ કિશોરોને તેના માતાપિતાને તેના પર નજર રાખવા માટે ઘણી બિલ્ટ ઇન ગોપનીયતા, માતાપિતા નિયંત્રણો, પ્રતિબંધિત ક્રિયાપ્રતિક્રિયાઓ અને અન્ય સુવિધાઓ પ્રદાન કરશે.

કિશોરોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ માટે, મેટાએ એપમાં ઉંમર ચકાસણી સિસ્ટમ ઉમેરી છે. જેથી ટીનએજર પોતાની ખોટી ઉંમર દેખાડીને હવે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી શકશે નહીં. ભારતમાં 16 વર્ષથી નીચેના બાળકો માટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર પેરેંટલ કંટ્રોલ, પ્રાઈવેટ એકાઉન્ટ, મેસેજ પ્રતિબંધો, સંવેદનશીલ સામગ્રી નિયંત્રણ, સમય મર્યાદા રિમાઈન્ડર, મર્યાદિત ક્રિયા પ્રતિક્રિયાઓ અને સ્લીપ મોડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કિશોરોની ઈન્સ્ટાગ્રામ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માતાપિતા છેલ્લા 7 દિવસમાં કોઈ એકાઉન્ટ દ્વારા સંપર્ક કરાયા હોય તેની યાદી માતાપિતા જોઈ શકશે. આ ઉપરાંત માતાપિતા ટીનએજરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને ચોક્કસ કલાકો પૂરતું મર્યાદિત કરી શકશે. અમુક કલાકો માટે તમે ઈન્સ્ટાગ્રામને સંપૂર્ણ પ્રતિબંધિત કરી શકો. જેથી ટીનએજર એ કલાકો દરમિયાન ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ જ ન કરી શકે. ટીનએજર રાત્રે 10 થી સવારના 7 વાગ્યા સુધી ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ જ ન કરી શકે તે માટે ઈન્સ્ટાગ્રામમાં સ્લિમ મોડ ફીચર ઉમેરવામાં આવ્યું છે.
યુવાનોમાં ઈન્સ્ટાગ્રામ ખૂબ જ લોકપ્રિય છે, આથી નાની ઉંમરના બાળકોને એપથી સુરક્ષિત રાખવા જરૂરી બની જાય છે. મેટાના આ પગલાંથી નિશ્ચિત થશે કે બાળકો સંવેદનશીલ સામગ્રીના સંપર્કમાં ન આવી શકે. આ ઉપરાંત માતાપિતા બાળકની ચેટ પર નજર રાખવાની પણ મંજૂરી આપશે, જેથી બાળકો કોઈનાથી પ્રભાવિત ન થઈ જાય. જો કોઈ કિશોર કે કિશોરી ખોટી ઉંમર દેખાડી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ખોલવાનો પ્રયત્ન કરશે તો, હવે આ નવા ફીચરને કારણે તે શક્ય નહીં બને.
