Mysamachar.in-ગાંધીનગર:
સૌરાષ્ટ્રનો સાગરકાંઠો અને વિવિધ ચીજોની દાણચોરી આજકાલથી નહીં, દાયકાઓથી એક જ સિક્કાની બે બાજુઓ રહી છે. અને, ઘણી બધી બાબતો એવી પણ હોય છે, જેને સ્થાનિકથી માંડીને ઉપર સુધી છાવરવામાં પણ આવતી હોય છે. લોકોની જાણમાં હોતી આવી બાબતો પ્રત્યે સરકાર અજાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ શક્ય છે ?!
હવે સરકારે એવો નિર્ણય લીધો છે કે, રાજ્યના તમામ મુખ્ય બંદરો પર આવનજાવન કરતી બધી જ માછીમારી બોટની ચકાસણીઓ કરવામાં આવે. કારણ એ છે કે, ડીઝલ તથા ડ્રગ્સની દાણચોરીની ઘટનાઓ ઉપરાઉપરી બની રહી છે. એમાં પણ ડીઝલની દાણચોરીને તો લાંબા સમયથી છાવરવામાં આવતી હોવાનો રિપોર્ટ છે !
આ ઉપરાંત અન્ય એક મુદ્દો ગુજરાત ATS ના હવાલાથી એવો બહાર આવ્યો છે, પાકિસ્તાન અને મુંબઈ વચ્ચેનો ડ્રગ્સની દાણચોરીનો રૂટ હાલ બંધ છે અને પાકિસ્તાન તથા સૌરાષ્ટ્ર વચ્ચે ડ્રગ્સની દાણચોરી ચાલી રહી છે, જેનો માસ્ટર માઇન્ડ જોડિયાનો વતની અને આફ્રિકામાં વસતો હોવાનું કહેવાય છે એ ઈશા રાવ નામનો શખ્સ છે.
આ અહેવાલ જણાવે છે કે, ડ્રગ્સ રેકેટ સામેની લડાઈના ભાગરૂપે રાજ્યની 27,000 માછીમારી બોટસ તથા 3 લાખ માછીમારો પર હવે નજર રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડ્રગ્સ તથા ડીઝલની દાણચોરી ઉપરાંત સોનું, ચાંદી અને ઈલેક્ટ્રોનિકસ આઈટમની દાણચોરીની તંત્રો સિવાય કોઈને નવાઈ નથી. ઘણું બધું ધમધોકાર ચાલી રહ્યું હોવાના રિપોર્ટ છે.
એમ પણ કહેવામાં આવે છે કે, હવે દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સહિતની દરિયાઈ એજન્સીઓ ઉપરાંત ATSની સાથે આ ઓપરેશનમાં આર્મી અને નૌકાદળને પણ જોડવામાં આવ્યા છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાં અવારનવાર ચરસના પેકેટ મોટી સંખ્યામાં મળતાં રહે છે. આ ચીજો અહીં સુધી પહોંચે છે કેવી રીતે ? તમામ પ્રકારના દરિયાઈ પેટ્રોલિંગ નિષ્ફળ રહે છે ?! એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા હોય, ચરસના પેકેટસની પણ હવે ઉંડી તપાસ થવાની શકયતાઓ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગાંધીધામના મીઠીરોહર નજીકથી રૂ. 828 કરોડનું કોકેઈન મળી આવેલું. પાંચ મહિનાઓ બાદ હજુ પણ તેનો ભેદ ઉકેલાયો નથી. એમ પણ કહેવાય છે કે, ડીઝલની દરિયાઈ દાણચોરીના નેટવર્કને ખુદ તંત્ર છાવરે છે. અને ડ્રગ્સની ખેપ આયોજનપૂર્વકના નેટવર્કનો ભાગ હોય છે, એમ પણ સૂત્ર કહે છે. અત્રે ખાસ નોંધનીય છે કે, ગુજરાતમાંથી માછીમારી માટે જતી બોટસ પૈકી કેટલીક બોટમાં ટંડેલ અને માછીમારો અન્ય રાજ્યના પણ હોય છે, આ ગોઠવણ કોણ અને શા માટે કરે છે, તે જાણવું પણ જરૂરી છે, આમાં પણ ભેદભરમની શકયતાઓ છે. ટૂંકમાં, સૌરાષ્ટ્રના સાગરકાંઠાને કાગળ પર અને પ્રચારમાં સુરક્ષિત લેખાવવામાં આવે છે, હકીકતો તેનાથી વિપરીત પણ હોય શકે છે. આ સ્થિતિમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાન પર લઈ ભારત દ્રોહી શખ્સો અને નેટવર્ક પ્રત્યે દરેક એજન્સીએ સાબદાં રહેવું પડશે, એમ અહેવાલમાં કહેવાયું છે.