Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાનો ટાઉનપ્લાનીંગ વિભાગ વર્ષોથી તેની કાર્યપ્રણાલીને લઈને ચર્ચામાં યેનકેન પ્રકારે રહ્યો છે, તેમાં તાજેતરમાં જ ગેરકાયદેસર બાંધકામોને સેહ આપવા ઉપરાંત તાજેતરમાં સામે આવેલી ઓડિયો ક્લીપે મનપાને વધુ એક વખત બદનામીનો બટ્ટો લગાવ્યો છે, છતાં શાશકોની સાથે વિપક્ષ પણ ચુપ છે, ત્યારે કોર્પોરેશનના વગોવાયેલા વિભાગોમાંના એક એવા ટાઉન પ્લાનીંગ અને સંલગ્ન એવા એસ્ટેટ વિભાગના દરેક કર્મચારીઓ અને અધિકારીઓ તમામની સ્થાવર જંગમ મિલકતો ચેક થવી જોઇએ તેવો સૂર જાણકારોમા ઉઠ્યો છે, તો ઘણું બહાર આવે તેમ છે. કેમ કે પોસ્ટ મુજબના પગાર ભથ્થા કે ફીક્સ પગાર વગેરેના પ્રમાણમા અમુકના મોબાઇલો, વાહનો, મકાનો, દરદાગીનાઓ વગેરે તેમજ પ્રસંગોના ખર્ચ વ્યક્તિગત મોજશોખ અને ટેવ કુટેવના ખર્ચ ઉડીને આખે વળગે તેવા હોય છે.
-જો મિલકતોની તપાસ થાય તો અમુક ઉપર અપ્રમાણસર મિલકતના કેસ થાય તેવી શક્યતા…
થોડા સમય પહેલા મલાઈદાર શાખાના એક અધિકારીની મિલકતોની વિગતો ફરતી થઇ હતી આ વહેતી થયેલી બાબત સંદર્ભે અમુક ચબરાકોએ તે લગત અધીકારીઓ નિયમાનુસાર દર વર્ષે પત્રક ભરે તેમા મિલકતની કિંમત દર્શાવેલી હતી તે ખરેખર ઓછી દર્શાવ્યાનુ પણ જાણકારો કહેતા હતા, વળી પોતે દૂધે ધોયેલા હોવાના ડોળ કરનારા તેમજ પારદર્શી કામગીરીનો ઢોંગ કરનારાના છાના વ્યવહારો છાપરે ચડવાના હોય મિલકત તપાસ થાય તો અનેકના તપેલા ચઢી જાય તેવી શક્યતાઓ જાણકારોમાં છે.