Mysamachar.in-જામનગર:
સરકારી પ્રાથમિક શાળાઓમાં ભૂલકાંઓ પર શિક્ષકો અને આચાર્યો દ્વારા સિતમ ગુજારવામાં આવતો હોય, એ પ્રકારના બનાવો અવારનવાર જાહેર થતાં હોય છે. તેની સાથેસાથે હકીકત એ પણ છે કે, આવા કિસ્સાઓમાં કસૂરવાર શિક્ષકો કે આચાર્યો વિરુદ્ધ કડક એક્શન લેવાને બદલે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ લીપાપોતી કરતાં હોય છે અને સમગ્ર મામલાને ઠંડો પાડી દેતાં હોય છે. જામનગરમાં પણ આવો એક વધુ બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 51/27 શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી છે. એક છાત્રા આ શાળાની લોબીમાં દોડાદોડી અને બૂમાબૂમ કરતી હતી, એવું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ છાત્રા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ છાત્રાને એક શિક્ષકે ઢોરમાર માર્યો છે. છાત્રાની પીઠ પર ઢોરમારના ચાંભા ઉઠી ગયા છે. જો કે, ત્રણ દિવસ અગાઉના આ બનાવ અંગે હજુ પગલાંની માત્ર વાતો થઈ રહી છે. આ શિક્ષક હાલ જામનગરમાં ન હોવાનું પણ કહેવાય છે.

પીઠ પર અને હાથ પર ફૂટપટ્ટી જેવા કોઈ સાધનથી માર મારવામાં આવ્યો હોય તેવા લાલ નિશાન આ છાત્રાના શરીર પર દેખાઈ રહ્યા છે, એમ જણાવીને આ છાત્રાના પિતાએ શાળાના આચાર્ય સમક્ષ સંબંધિત શિક્ષક અંગે ફરિયાદ કરી છે. પ્રાથમિક તપાસમાં એમ પણ બહાર આવ્યું છે કે, નજીવા કારણસર શિક્ષકે આ બાળાને ફટકારી છે. ગત્ બુધવારે રમેશ જાબુંશા નામના શિક્ષકે આ માસૂમ બાળાને માર મારેલો હતો, એમ જાહેર થયું છે.
આ અંગે બાળાના વાલીએ આચાર્યા સમક્ષ આ બનાવની રજૂઆત અને ફરિયાદ કરી છે. દરમિયાન, એમ જાહેર થયું છે કે, આ બનાવ બાદ આ શિક્ષક પોતાના વતનમાં જતો રહ્યો છે. આચાર્યા રીના રામોલિયા કહે છે: શિક્ષકને ઠપકો આપવામાં આવ્યો છે. આ શિક્ષક વતનથી પરત આવશે પછી વધુ તપાસ કરવામાં આવશે.

દરમિયાન, શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુની પટેલએ એમ કહ્યું છે કે, આ બનાવ અંગે હકીકતલક્ષી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ શું પગલાંઓ લેવા કે કાર્યવાહીઓ કરવી, એ અંગે નિર્ણય લેવામાં આવશે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શિક્ષક દ્વારા આ પ્રકારના અત્યાચારની અહીં આ પ્રથમ ઘટના નથી. આ જ શાળામાં અગાઉ પણ એક શિક્ષકે આ રીતે વિદ્યાર્થીને માર માર્યાનો બનાવ બનેલો એમ જણાવી, વાલીઓ કહે છે: જો આ બનાવમાં કસૂરવાર શિક્ષક વિરુદ્ધ પગલાંઓ લેવામાં નહીં આવે તો, રેલી અને આવેદનપત્ર પાઠવવા સહિતના કાર્યક્રમો આપવામાં આવશે. વાલીઓમાં ખૂબ જ રોષ છે.
