Mysamachar.in-સુરતઃ
સુરત જિલ્લામાં કાયદા વ્યવસ્થાની કથળેલી સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે, અહીં જૂની અદાવતમાં બુટલેગરોની બે મોટી ગેંગ આમને-સામને આવી જતા ગેંગવોર સર્જાઇ હતી, બંને ગેંગના સભ્યોએ ફિલ્મી ઢબે જાહેરમાં ધધાધડ ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બંને પક્ષના સાગરિતો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જો કે ગેંગવોર દરમિયાન રસ્તામાંથી પસાર થઇ રહેલા એક નિર્દોષ વિદ્યાર્થીનું ગોળી વાગતા મોત નીપજ્યું હતું. ઘટના બાદથી મોટા પ્રમાણમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ એકપણ આરોપી હાથ લાગ્યો ન હતો.
પ્રાપ્ત વિગત પ્રમાણે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે મૂળ ઓડિસાના બે નામચીન બુટલેગરો વચ્ચે જૂની અદાવતમાં ગેંગવોર સર્જાઇ, મૂળ ઓડિસાના અને હાલ જોળવા આરાધના ડ્રીમ સોસાયટી ખાતે રહેતા મોહન પરસોત્તમ પરીડા તેના વતનનો અને તેના જ ગામના બન્નો માલિયા નામના બુટલેગર સાથે જૂની અદાવત છે. ત્રણ દિવસ અગાઉ બન્ના અને મોહન વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતે અદાવત રાખી બન્નાએ સુરતથી ભાડુતી માણસો મંગાવી મોહન પર હુમલાનું ષડયંત્ર રચ્યું. એક સમયે જ્યારે મોહન તેની હોટલ પર હાજર હતો, ત્યારે જયેશ, મુન્નો, વિક્કી, ભગવાન સહિત અન્ય 15 જેટલા ઇસમો સાથે મોહનની હોટલ ઉપર પહોંચી ગયા અને મોહન અને તેની ટોળકી પર ત્રણ તમંચા વડે આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
મુખ્ય રોડ પર ફિલ્મી દ્રષ્યોની જેમ આડેધડ ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેંગવોરમાં બુટલેગર મોહનને બન્ને પગમાં ગોળી વાગી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે અહીંથી રોશન, વિવેક તેમજ સંતોષ નામના વિદ્યાર્થીઓ જીમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, જેમાં રોશનને છાતીના ભાગે ગોળી વાગી ગઇ હતી. બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં મોહનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે રોશન રાઠોડને સુરત નવી સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. રોશનના મોતને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મૃતક રોશન બારડોલીની કોલેજમાં બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.