Mysamachar.in:ગુજરાત
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં કરોડો દેશવાસીઓને બેફામ મોંઘવારી કનડી રહી છે અને કરડી રહી છે. તે દરમિયાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે, સરકારનાં પગલાંઓને કારણે મોંઘવારી અંકુશમાં રહી શકી છે. સતત ઉચ્ચ સ્તર પર રહેલી મોંઘવારીને સામાન્ય સ્તર પર લાવવા માટે સરકાર તથા આરબીઆઈ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે, મોંઘવારી સામાન્ય સ્તર ઉપર છે. સરકાર તરફથી તેને નિયંત્રિત કરવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ચૂંટણીવાળા રાજ્ય કર્ણાટકમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાણામંત્રીએ ઉપરોક્ત નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, સરકારે જોઈ વિચારીને દ્રષ્ટિકોણ અપનાવ્યો છે જેને કારણે મોંઘવારી સામાન્ય સ્તર પર છે અને તેને સામાન્ય સ્તરથી નીચે લાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એક તરફ ક્રૂડ ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે કાપ ચાલી રહ્યો છે. બીજી તરફ, આગામી ચોમાસા દરમિયાન અલનીનો અસરો કરી શકે છે. ત્રીજી તરફ, કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે – એવાં સમયે, નાણામંત્રી તરફથી આ નિવેદન આવ્યું છે. અને એ પણ કર્ણાટકમાં નિવેદન કરવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, રીટેલ મોંઘવારી પંદર મહિનાનાં નીચલા સ્તરે છે. આ ઉપરાંત જથ્થાબંધ મોંઘવારી પાછલાં ઓગણત્રીસ મહિનાનાં નીચલા સ્તરે પહોંચી છે.






