Mysamachar.in-અમદાવાદઃ
વર્ષ 2019 પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ભારત માટે આ વર્ષ અનેક મુશ્કેલીવાળું રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય જનતા મોંઘવારીને કારણે ત્રસ્ત બન્યા છે. ડુંગળીએ રડાવ્યા બાદ દૂધના ભાવમાં વધારો કરાયો, પરંતુ હવે સિંગ તેલ અને બટાકાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓથી લઇને વેપારીઓમાં ચિંતાના વાદળ જોવા મળી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં બટાકાના ભાવ 28થી 30 થઇ ગયો છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે કમોસમી વરસાદ અને અન્ય રાજ્યમાંથી બટાકા આવક ઓછી થઇ છે જેની સીધી અસર ભાવ પડી રહી છે. કમોસમી વરસાદ અને ઇમ્પોર્ટને કારણે શાકભાજીનું તો નામ નથી લેવાતું. વેપારીઓનું કહેવું છે કે 'પહેલા જે ગ્રાહકો પાંચ પાંચ કિલો બટાકા લઇ જતા હતાં તે હવે એક બે કિલો લઇને સંતોષ માને છે'
હાલની શાકમાર્કેટની સ્થિતિ પર નજર કરીએ તો ડુંગળીનાં ભાવ 100 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે શાક જોડે મળતી કોથમીર પણ 120 રૂપિયે કિલો છે. લસણનું તો નામ નથી લેવાતું, કારણ કે તેના ભાવ 240 રૂપિયે કિલો પહોંચી ગયા છે, સાથે મરચાંનાં ભાવ પણ 70 રૂપિયા પહોંચી ગયો છે. તો છેલ્લા 13 દિવસમાં સિંગ તેલના એક ડબ્બા દીઠ 80 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મગફળીનું ઉત્પાદન વધુ થયુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે 15 કિલોના ડબ્બાનો નવો ભાવ 1,850 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ આવેલા એક રિપોર્ટમાં શાકભાજી-કઠોળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવમાં કમરતોડ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ ઇન્ફ્લેશન ત્રણ વર્ષની ઊંચી સપાટીએ આવ્યો છે. જ્યારે ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર 0.16 ટકા હતો.