Mysamachar.in:ગુજરાત
દેશનાં તમામ સમૃધ્ધ રાજયોનાં આંકડા જાહેર થયા છે. આ આંકડા મુજબ સૌથી સમૃધ્ધ રાજય મહારાષ્ટ્ર છે અને બીજા ક્રમે તામિલનાડુ છે. સમૃધ્ધિની દ્રષ્ટિએ ગુજરાતનો ક્રમ ત્રીજો છે. ગુજરાતની સમૃધ્ધિ ઉદ્યોગને કારણે છે અને તેથી તો ગુજરાત ઔદ્યોગિક રાજય લેખાય છે. રાજયની કુલ આવકમાં ખેતીનો હિસ્સો સૌથી ઓછો છે. ખેતી કરતાં બમણી આવક સર્વિસ એટલે કે સેવાઓનાં ક્ષેત્રમાંથી આવે છે.
સમગ્ર દેશનાં ઉપલબ્ધ આંકડા જણાવે છે કે, કૃષિનાં ક્ષેત્રમાં મધ્યપ્રદેશ આગળ છે. ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર મોખરે છે અને સર્વિસ સેકટરમાં કર્ણાટક આગળ છે. ઔદ્યોગિક વિકાસમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતનો બીજો ક્રમ આવે છે. ગુજરાતની કુલ આવકમાં ઉદ્યોગનો હિસ્સો 45 ટકા છે. રાજયની કુલ આવકમાં સર્વિસ સેકટરનો પણ સિંહફાળો છે. કુલ આવકનો 36 ટકા ભાગ સર્વિસ સેક્ટરમાંથી આવે છે. જયારે ખેતીની રાજયની આવક માત્ર 19 ટકા હિસ્સો ધરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજયમાં ખેતીની મોટાભાગની જમીન રિઅલ એસ્ટેટ અને ઉદ્યોગ ક્ષેત્રમાં તબદિલ થઈ રહી છે.
કોઈ પણ રાજયની સમૃધ્ધિ તે રાજયનાં સ્ટેટ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (કુલ ઘરગથ્થુ ઉત્પાદન) પરથી ગણવામાં આવે છે. જેને સાદી ભાષામાં રાજયની કુલ આવક કહેવામાં આવે છે. આ પેરામીટર પ્રમાણે મહારાષ્ટ્ર અને તામિલનાડુ પ્રથમ બે ક્રમનાં સમૃધ્ધ રાજયો છે. ગુજરાતનો નંબર ત્રીજો છે. મહારાષ્ટ્રની ઉદ્યોગની આવક 51 ટકા છે, સર્વિસ આવક 40 ટકા.તામિલનાડુની ઉદ્યોગ આવક 34 ટકા, સર્વિસ આવક 53 ટકા, તેની ખેતીની આવક માત્ર 13 ટકા અને મહારાષ્ટ્રની ખેતીની આવક માત્ર 9 ટકા છે.
ખેતીની જબ્બર આવક તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 55-55 ટકા છે. જો કે મધ્યપ્રદેશ ખેતીની 62 ટકા આવક સાથે પ્રથમ ક્રમે છે. મધ્યપ્રદેશ ઉદ્યોગમાં સાવ નબળું છે, માત્ર 5 ટકા આવક. સર્વિસ સેક્ટરમાં તામિલનાડુ માફક પશ્ચિમ બંગાલ પણ 53 ટકા સાથે પ્રથમ ક્રમે છે. મહારાષ્ટ્રની કુલ આવક રૂપિયા 33.03 લાખ કરોડ છે. તામિલનાડુની કુલ આવક રૂપિયા 21.88 લાખ કરોડ છે અને ગુજરાતની કુલ આવક રૂપિયા 21.47 લાખ કરોડ છે. તામિલનાડુ અને ગુજરાત કુલ આવકની દ્રષ્ટિએ બીજા અને ત્રીજા ક્રમે છે પરંતુ પ્રથમ નંબરથી ઘણાં દૂર છે. અને ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાલ જેવા રાજયોની આવક તો ઘણી ઓછી છે. મધ્યપ્રદેશને તો ગરીબની કક્ષામાં મૂકી શકાય તેવું રાજય છે.