કોઈ પણ શહેર જેમજેમ વિકાસ પામે તેમતેમ શહેરની અંદર આવેલી અને શહેરને ફરતે આવેલી ખેતીની જમીનો બિનખેતી થતી હોય છે અને આવી જમીનો પર ઝોનફેરના માધ્યમથી ઉદ્યોગો અને રહેણાંકો બનતા હોય છે અને એ રીતે શહેર મોટું બનતું હોય છે. આ સમગ્ર પ્રોસેસમાં ઝોનફેર અને DP રસ્તાઓમાં ‘ફેરફાર’ એક જબરો ખેલ હોય છે અને તેમાં ઘણી જાતના પાસા ‘ગોઠવાતા’ હોય છે. જામનગરમાં પણ આ માટેની ‘વ્યવસ્થાઓ’ ગોઠવી લેવામાં આવી છે.
જામનગરમાં કેટલાંક સમયથી ફરી ઝોનફેર મામલો ચર્ચાઓમાં છે. આ સમગ્ર વિષય અંગે એક સ્થાનિક નાગરિક નિતીન માડમ દ્વારા જામનગરથી માંડીને છેક ગાંધીનગર સુધી રજૂઆતો પણ થઈ છે અને કેટલાંક પ્રશ્નો પણ ઉભા કરવામાં આવ્યા છે. દરમ્યાન, ગત્ અગિયારમી ઓગસ્ટે ‘જાડા’ની એક બેઠક યોજાઈ ગઈ અને કેટલાંક મામલાઓને લીલીઝંડી પણ અપાઈ ગઈ અને બે મામલાઓ ફેરવિચારણા માટે અલગ ‘તારવી’ પણ લેવામાં આવ્યા છે.
ગત્ અગિયારમી ઓગસ્ટે ‘જાડા’ના ચેરમેન(મ્યુનિસિપલ કમિશનર)ના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ ગઈ જેમાં વિવિધ ઝોનને ફેરફાર કરી અમુક પ્રકારના ઝોન જાહેર કરવા બાબતે તથા DP રસ્તાઓમાં ફેરફાર કરવા બાબતે પણ ચર્ચાઓ થઈ.
આ મહત્વપૂર્ણ બેઠકમાં ચેરમેન ઉપરાંત સિનિયર ટાઉન પ્લાનર, શહેર SDM, જિલ્લા પંચાયત પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ‘જાડા’ના મુખ્ય કારોબારી અધિકારી એટલે કે મેમ્બર સેક્રેટરી ઉપસ્થિત રહ્યા હતાં.
આ બેઠકમાં નક્કી થયું કે, કનસુમરાના સર્વે નંબર ધરાવતી ખેતીની અમુક જમીનોને હવે ઔદ્યોગિક ઝોનમાં લઈ જવી. આ માટે મુખ્ય કારોબારી અધિકારી દરખાસ્ત તૈયાર કરશે. જો કે તેમાં કનસુમરા અને દરેડના અમુક સર્વે નંબરની જમીનો અંગે ફેરવિચારણા થશે. આ ઉપરાંત દરેડની ખેતીની અમુક જમીનો ઔદ્યોગિક જમીનો બનાવવા દરખાસ્ત તૈયાર થશે. આ પ્રકારની બે દરખાસ્ત તૈયાર થશે. આ ઉપરાંત કનસુમરાની અમુક ખેતીની જમીન ઔદ્યોગિક ઝોનમાં લઈ જવા એક ત્રીજી દરખાસ્ત પણ મુખ્ય કારોબારી અધિકારી તૈયાર કરશે.
આ સાથે જ એવા પણ નિર્ણય થયા કે, ચેલા અને દરેડની અમુક જમીનો જે ખેતીની છે તેને ઔદ્યોગિક ઝોનમાં લઈ જતાં પહેલાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ફેરવિચારણા કરવા અંગે જે કહેવાયું છે તેને ધ્યાન પર લેવામાં આવશે. આ જ રીતે નગરસીમની અમુક જમીનોને ઔદ્યોગિક ઝોનમાંથી રહેણાંક ઝોનમાં લઈ જવા અંગે પણ આ બંને પદાધિકારીઓએ ફેરવિચારણાનો આગ્રહ રાખ્યો છે. આ બંને પદાધિકારીઓ શહેરના સંતુલિત વિકાસ માટે ખૂબ જ ચિંતન અને ચિંતાઓ કરી રહ્યા હોય એમ- આ સૂચનો પરથી સમજાઈ રહ્યું છે.
આ પ્રકારની બધી જ કામગીરીઓ સંબંધે ‘જાડા’નું સ્ટેન્ડ એવું જોવા મળે છે કે, જુદા જુદા અરજદારો દ્વારા જે અરજીઓ થઈ છે, તે અરજીઓને ધ્યાનમાં લઈ આ તમામ ચર્ચાઓ અને વિચારણાઓ કરવામાં આવી રહી છે. આ એક પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ હોય છે અને શહેર તથા પંથકના હિતો માટે આ પ્રોસેસ થતી હોય છે.
જો કે એક સ્થાનિક નાગરિકે આ અંગે જે રજૂઆત કરેલી છે તે પણ જાણવા જેવી છે. જેમાં કહેવાયું છે કે, જામનગરના ઝોનફેર કામો સંબંધે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી છે. વિકાસ નકશો-2031માં વારંવાર ફેરફાર કરવામાં આવે તો, આ નકશાનો મતલબ શું ? સ્થાનિક સતામંડળ મનસ્વી રીતે મૂળ યોજનામાં વારંવાર ફેરબદલ કરે તો રાજ્યના સમગ્ર આયોજનને નુકસાન કરનાર સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત આ રજૂઆતમાં કહેવાયું છે કે, વિકાસ યોજના-2031માં આ રીતે વારંવાર ફેરફાર કરવા પડી રહ્યા છે જે દર્શાવે છે કે, વિકાસ નકશો-2031નું આયોજન ઉતાવળે થયું હતું. તેમાં પૂરતી વિચારણા કરવામાં આવી ન હતી. જામનગરની હદ વધી અને આ રીતે સ્થાનિક ફેરબદલ થઈ પછી પણ આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી, આ રીતે સ્થાનિક ફેરબદલ થતી રહેશે તો આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ ક્યારે આપી શકાશે ? આ એક જટિલ વહીવટી બાબત છે.
આ સાથે રજૂઆતમાં એમ પણ કહેવાયું છે કે, ‘જાડા’ની હાલની બેઠકમાં જે જવાબદારો હાજર રહ્યા હતાં તે પૈકી અમુક જવાબદારો સામે ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટ તાકીદ પણ કરી ચૂકી છે. એક ઝોનફેરમાં તો એક અરજદારની ખુદની જમીનનો પણ સમાવેશ થાય છે, જે ગંભીર તપાસનો વિષય છે. ઝોનફેરની બધી દરખાસ્ત રદ્દ કરવા માંગ થઇ છે. અને કહેવાયું છે કે, આ નિર્ણયો ‘વિકસિત ગુજરાત’ ના ટ્રેક સાથે સુસંગત નથી. રજૂઆતના અંતે એમ પણ કહેવાયું છે કે, ‘જાડા’ના આ જનરલ બોર્ડના બધાં સભ્યો રમતના માત્ર પ્યાદાં હોય તેમ લાગે છે. આ રીતે વિકાસ નકશો-2031 રફેદફે ન કરવો જોઈએ.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનએ આ બેઠક અંગે શું કહ્યું ?…
Mysamachar.in દ્વારા ‘જાડા’ની આ બેઠક સંબંધે આજે સવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ‘જાડા’ જનરલ બોર્ડના સભ્ય નિલેષ કગથરાનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, ઝોનફેરની અમુક દરખાસ્તોમાં માત્ર મેં અને જિલ્લા પંચાયતના પ્રમુખે જ ફેરવિચારણાની વાત કરી નથી. જનરલ બોર્ડના ઘણાં સભ્યો દ્વારા આ મત વ્યક્ત થયો હતો અને આ બેઠકની મિનિટ્સમાં ભૂલ છે. આ ઉપરાંત જે દરખાસ્તો ફેરવિચારણા માટે રાખવામાં આવી છે તે અંગે જનરલ બોર્ડની આગામી બેઠકમાં નિર્ણય લેવાઈ જશે, આ દરખાસ્તો હાલ પૂરતી માત્ર મુલતવી રાખવામાં આવી છે. જે આગામી બેઠકમાં ક્લિયર કરવામાં આવશે.
ચેરમેન કોઈ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત હતાં તેથી વિસ્તૃત વાતચીત થઈ શકી નથી અને જિલ્લા પંચાયત પ્રમુખનો એક કરતાં વધુ વખત સંપર્ક કરવાનો પ્રયત્ન છતાં તેઓ ફોન મારફતે પ્રતિક્રિયા આપવા ઉપલબ્ધ થઈ શક્યા ન હતાં.