Mysamachar.in:અમદાવાદ:
હાલમાં જામનગર સહિત સમગ્ર રાજ્યમાં લાખો રહેણાંક સોસાયટીઝ તથા ઔદ્યોગિક વસાહતો એવી છે જેઓ દૈનિક ધોરણે કરોડો લિટર શુદ્ધ પાણી ઉપયોગમાં લ્યે છે અને ગંદુ અથવા પ્રદૂષિત કે ઝેરી પાણી ગટરો કે નદીઓમાં અથવા જમીનો પર છોડી દે છે- આ જંગલરાજ પર આગામી સમયમાં કંટ્રોલ આવશે. સરકાર હવે કડક બનશે. આ માટે ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે.
કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, તેની ગંદા પાણીના મેનેજમેન્ટ માટેની નીતિનો દેશભરમાં અમલ થાય. આ માટે ગુજરાત સરકાર પણ તૈયારીઓ કરી રહી છે. આ માટે ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે. આગામી બે વર્ષ બાદ આ નવી નીતિનું સૌએ પાલન કરવું પડશે. લાખો રહેણાંક સોસાયટીઝ શુદ્ધ પાણીનો ઉપયોગ કરે છે પરંતુ ગંદા પાણીને ફરી શુદ્ધ કરી તેનો ઉપયોગ કરવાની વ્યવસ્થાઓ ધરાવતી નથી. આ જ રીતે લાખો ઉદ્યોગો પણ શુદ્ધ પાણી કરોડો લિટર વાપરે છે પરંતુ પોતાના ગંદા પાણીને રિસાયકલીંગ કરવાની વ્યવસ્થાઓ ધરાવતાં નથી. જેને કારણે રોજ અબજો લિટર પાણી દરિયામાં ઠલવાય છે, જે જમીન- પાણી અને હવામાં પ્રદૂષણ ફેલાવે છે અને બીજી મોટી નુકસાની એ થાય છે કે, શુદ્ધ પાણીની ડિમાંડ સતત વધતી રહે છે. ગંદા પાણીને રિસાયકલીંગ કરવાથી ઘણો જ ફાયદો થશે.
આ નવો કાયદો હાલની તમામ સોસાયટીઝ અને ઉદ્યોગો તથા નવી બનનારી સોસાયટીઝ તથા ઉદ્યોગોને લાગુ પડશે. જે રહેણાંક કોમ્પ્લેક્ષ દરરોજ 5,000 લિટર કે તેથી વધુ શુદ્ધ પાણીનો ઉપયોગ કરે છે અને રોજ 10 Kg બાયોલોજિકલ ઓક્સિજન ડિમાંડ જેટલું પ્રદૂષણ પેદાં કરે છે તે તમામ રહેણાંક સોસાયટીએ 2027 સુધીમાં ગંદા પાણીને શુદ્ધ કરવાની અને આ શુદ્ધ કરાયેલા પાણીનો ઉપયોગ કરવાની વ્યવસ્થાઓ ગોઠવી લેવી પડશે. દરેક સોસાયટીએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોર્ટલ પર આ માટે ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે.
એ જ રીતે તમામ ઉદ્યોગોએ પણ આ નવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવી પડશે. દાખલા તરીકે, આજે કોઈ ઉદ્યોગ 1,00,000 લિટર શુદ્ધ પાણીનો ઉપયોગ રોજ કરે છે તેણે 60 ટકા એટલે કે, રોજ 60,000 લિટર ફરીથી શુદ્ધ કરેલું અને 40,000 લિટર શુદ્ધ પાણી ઉપયોગમાં લેવાનું રહેશે. એટલે કે તેને આપવામાં આવતાં શુદ્ધ પાણીની સપ્લાય પર કાપ આવશે. અને, તેણે ફરજિયાત રીતે ગંદુ પાણી શુદ્ધ કરવાની વ્યવસ્થાઓ ગોઠવવી પડશે. નહીંતર ઉદ્યોગ બંધ પણ કરવો પડી શકે.
આ 60 ટકાનો નિયમ વર્ષ 2027-28 પૂરતો જ છે. પછીના વર્ષમાં શુદ્ધ પાણીની સપ્લાય વધુ ઘટાડાશે અને રિસાયકલીંગ કરેલાં પાણીનો ઉપયોગ વધારવાનો રહેશે. એમ 2030-31માં દરેક ઉદ્યોગને શુદ્ધ પાણીની સપ્લાય 90 ટકા ઘટાડી નાંખવામાં આવશે અને તેણે પાણીનો રિયૂઝ વધારવાનો રહેશે. ટૂંકમાં, આગામી સમયમાં ઉદ્યોગોએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ ફરજિયાત અપનાવવું પડશે, જેની તૈયારીઓ અત્યારે જ ગુજરાત સરકારે શરૂ કરી દીધી છે. શરૂઆતના તબક્કામાં દેશભરના તમામેતમામ ઉદ્યોગોએ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોર્ટલ પર પોતાના એકમની ફરજિયાત નોંધણી કરાવવાની રહેશે.
આ વ્યવસ્થાઓ અમલી બનાવવા દરેક રહેણાંક સોસાયટી તથા ઉદ્યોગોએ પોતાની માસિક શુદ્ધ પાણીની જરૂરિયાત, વપરાશ, રિયૂઝ માટેનો પ્લાન, રિસાયકલીંગ થતો પાણીનો જથ્થો અને એક્સટેન્ડેડ યૂઝર રિસ્પોન્સિબલિટી પ્લાન વગેરે હિસાબો અને દસ્તાવેજ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પોર્ટલ પર નિયમિત રીતે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. આથી ભ્રષ્ટાચાર ઘટશે, પારદર્શકતા વધશે, રહેણાંક સોસાયટીઝ અને ઉદ્યોગોની જવાબદારીઓ સુનિશ્ચિત થશે અને શુદ્ધ પાણીનો વેડફાટ અટકશે જેથી ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે. વાતાવરણમાં ગરમી તથા પ્રદૂષણ ઘટશે, પર્યાવરણની રક્ષા થશે- જો સરકાર આ પોલિસીનો કડક અમલ કરાવી શકશે, તો.