Mysamachar.in-જામનગર:
સમગ્ર વિશ્વમાં જામનગરને બ્રાસસિટી તરીકેની ગૌરવપૂર્ણ ઓળખ અપાવનારા બ્રાસઉદ્યોગને હરિફાઈના યુગમાં વૈશ્વિક વેપારની તકો ઘરઆંગણે મળી રહે તે માટે આવતીકાલ તા. 13 ફેબ્રુઆરીથી ચાર દિવસ માટે જામનગર ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સપોનું ભવ્ય આયોજન જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન દ્વારા ગોઠવવામાં આવ્યું છે.
જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશને આ એક્સપોની વિગતોના પ્રચાર પ્રસાર માટે ગઈકાલે એક્સપોના સ્થળે (એરપોર્ટ રોડના સામેના ભાગની વિશાળ અને ખાનગી જમીન) એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આ આયોજન અંગેની વિગતો પત્રકારોને આપવામાં આવી હતી. આ વિશાળ આયોજન જામનગરના બ્રાસ ઉદ્યોગના સ્થાનિક અને વૈશ્વિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જો કે આયોજકોએ અમુક વિગતો જાહેર કરી નથી. તેવું આપવામાં આવેલ માહિતી પરથી લાગી રહ્યું છે.

આ પત્રકાર પરિષદ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલાના વડપણ હેઠળ યોજવામાં આવી હતી જેમાં એસોસિએશનના અન્ય હોદ્દેદારો અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર દેશમાં જે ખાનગી કંપની આ પ્રકારના વિશાળ આયોજનો ગોઠવવાનો અનુભવ ધરાવે છે, એ ખાનગી કંપનીએ જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશન સાથે MoU કરી, આ આયોજન હાથ ધર્યું છે.
કોઈ પણ વ્યક્તિ પાંચ પચ્ચીસેક લાખ રૂપિયાના અંદાજિત ખર્ચથી કોઈ આયોજન પ્લાન કરતી હોય છે ત્યારે તે વ્યક્તિ અંદાજિત ખર્ચના આંકડાને નજર સમક્ષ રાખતી હોય છે, આ ઉપરાંત આ પ્રકારના આયોજનમાં થનારા ખર્ચનો પણ આયોજકોને અંદાજ હોય છે અથવા હોવો જોઈએ પરંતુ આ એક્સપોના વિશાળ આયોજન સંબંધે આ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. અને તેવું કહેવામાં આવ્યું છે કે આ એક્સ્પો પૂર્ણ થાય પછી જ ખર્ચનો અંદાજ આવે આ તે કેવું..!!
અંદાજે પાંચ લાખ ચોરસ ફૂટ કરતાં વધુ વિશાળ જગ્યામાં આયોજિત આ એક્સપોમાં મોંઘાભાવના 200 થી વધુ સ્ટોલ છે, 30 થી વધુ દેશોના બાયર્સ અને પ્રતિનિધિઓ આવશે એવી જાહેરાત થઈ છે અને આયોજકોએ જણાવ્યું છે કે, 30000 થી વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે. આ માટે જર્મન હેંગર સેન્ટ્રલી AC વિશાળ ડોમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એક્સપો જામનગરના બ્રાસ ઉદ્યોગમાં નવી વ્યાપારિક પૂછપરછો ખેંચી લાવશે, એમ પત્રકાર પરિષદમાં જણાવાયું.
આ પત્રકાર પરિષદમાં પત્રકારોએ આયોજકોને સંભવિત અને અંદાજિત ખર્ચ તથા આવક અંગે પૂછેલું પરંતુ આયોજકોએ આ પ્રશ્નનો ઉત્તર આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતાં. અંદાજો જાહેર કર્યા ન હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પ્રકારના ઈન્ડસ્ટ્રીયલ ઈન્ટરનેશનલ એક્સપોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ચોક્કસ રકમની સબસિડી મળતી હોય છે, આ ઉપરાંત સ્ટોલ અને જાહેરાતો જેવા માધ્યમોથી આયોજકો મોટી આવકો પ્રાપ્ત કરી શકતા હોય છે.
-મહાનુભોવોના નામો જાહેર પરંતુ આ મહેમાનો આવશે જ, એવું નક્કી નહીં…
આ આયોજનમાં કેન્દ્રીય વેપારમંત્રી પિયુષ ગોયલ સહિતના બે કેન્દ્રીય પ્રધાનો અને અન્ય સેંકડો મહાનુભાવો આ એક્સપોમાં મહેમાનો તરીકે ઉપસ્થિત રહેશે એવી જાહેરાતો થઈ પરંતુ સ્થાનિક રાજકીય અગ્રણીઓ સિવાય, રાજ્યના CM સહિતના કોઈ પણ મહાનુભાવો આ આયોજનમાં ઉપસ્થિત રહેશે એવું હજુ સુધી નક્કી થઈ શક્યું નથી તેમ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.
