Mysamachar.in: ગુજરાત
ગુજરાતભરમાં અને સમગ્ર દેશમાં એવો પ્રચાર થઈ રહ્યો છે કે, ગુજરાત વાઈબ્રન્ટ છે, ઉદ્યોગો બાબતમાં સૌથી મોખરે છે અને સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત છે. બીજી તરફ ખુદ કેન્દ્ર સરકારના રિપોર્ટના આંકડા કહે છે, ઉદ્યોગોની બાબતમાં વર્ષોથી મહારાષ્ટ્રની તોલે કોઈ ન આવી શકે. તે હંમેશા ટોપ પર રહે છે.
કેન્દ્ર સરકારના આ રિપોર્ટમાં ટોપ ટેન રાજ્યોમાં ગુજરાત પાછળના ક્રમે છે, ટોપ થ્રી માં પણ નથી. ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો (MSME)ની બાબતમાં એક સમયે ગુજરાત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની સાથે કટ્ટર સ્પર્ધામાં રહી શકતું હતું. આજની સ્થિતિઓ એ છે કે, આ બાબતમાં ગુજરાત પાછળ રહી ગયું છે. દેશના ટોપ થ્રી રાજ્યમાં ગુજરાત નથી. મહારાષ્ટ્ર સૌથી મોખરે રહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, MSME એ એવા ઉદ્યોગો છે, જેની સંખ્યા હજારો અને લાખોમાં હોય છે. આ ક્ષેત્ર લાખો કામદારોને રોજગારી આપતું હોય છે. તાજેતરના વર્ષોમાં કેન્દ્ર સરકાર પણ MSME ક્ષેત્રને ભરપૂર સહાયો આપી રહી છે. સર્વત્ર MSME ના ગુણગાન ગવાઈ રહ્યા છે. ત્યારે, રેકર્ડ પરની વિગતો શું છે તે કેન્દ્ર સરકારના એક રિપોર્ટ પરથી જોઈ શકાય છે.
કેન્દ્ર સરકારનો આ રિપોર્ટ ગઈકાલે ગુરૂવારે સંસદના લોકસભામાં ગૃહમાં રજૂ થયો. રિપોર્ટમાં જાહેર થયેલી માહિતીઓ મુજબ, 1 જૂલાઈ 2020થી લઈને 31 જાન્યુઆરી 2025 સુધીના સમયકાળમાં ગુજરાતમાં નવા MSME ઉદ્યોગોની નોંધણીનાં downfall આવ્યું છે. ગુજરાત અગાઉ આ બાબતે દેશમાં પાંચમા ક્રમે હતું તે હવે છઠ્ઠા ક્રમે પટકાયું છે. જ્યારે વીતેલા એક દાયકાથી અવ્વલ રહેતું મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે અણનમ રહ્યું છે.

2024ના ડિસેમ્બરમાં ગુજરાત સરકારે દાવો કર્યો હતો કે, MSME સેકટરમાં કુલ 21.82 લાખ એકમો સાથે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે છે. એ વખતે મહારાષ્ટ્રમાં 50.60 લાખ MSME એકમો હોવાનું જાહેર થયું હતું. સાથે જ ગુજરાત સરકારે રાજ્યની કરોડરજજુ ગણાતા આ સેકટરમાં દર વર્ષે નવા ઔદ્યોગિક એકમોની નોંધણીમાં દર વર્ષે 25-30 ટકાનો વૃધ્ધિદર હોવાનો દાવો કર્યો હતો. જો કે ગુરૂવારે સંસદમાં એક સવાલના જવાબમાં કહેવાયું કે, છેલ્લા સાડા ચાર વર્ષ દરમિયાન ગુજરાતમાં MSME ક્ષેત્રમાં માત્ર 33.94 લાખ નવા એકમો નોંધાયા છે. આ સમય દરમિયાન મહારાષ્ટ્રમાં 77.42 લાખ એકમો નોંધાયા. અને આ જ સમય દરમિયાન ઉત્તરપ્રદેશમાં 63.02 લાખ, તામિલનાડુમાં 48.11 લાખ અને પશ્ચિમ બંગાલમાં 42.28 લાખ તથા કર્ણાટકમાં 39.45 લાખ એકમોની નોંધણી થઈ, એ પછીનો ક્રમ ગુજરાતનો છે. આપણે ટોપ ફાઇવમાં નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ સમય દરમિયાન ગુજરાતમાં નવા મધ્યમ કદના ઉદ્યોગ માત્ર 8,554 જ નોંધાયા છે. આમ નવા વર્ષના આરંભે એક મહિનામાં દેશના 36 રાજ્યમાં નવા MSME ની નોંધણીમાં ગુજરાત પાંચમાથી છઠ્ઠા ક્રમે જતું રહ્યું છે. અર્થાત્ એક પાયદાન નીચે ઉતર્યું છે. જે રાજ્યના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં નોંધાયેલા બદલાવને સ્પષ્ટ કરે છે. (file image)
