Mysamachar.in-જામનગર:
દેશના ટોચના ઉદ્યોગગૃહ અદાણીજૂથે જામનગર પર નજર સ્થિર કરી હોવાની ઘણાં સમયથી ચાલતી ચર્ચાઓને હવે સત્તાવાર સમર્થન મળી ચૂક્યું છે. જામસાહેબે નગરજનો જોગ સંદેશામાં જણાવ્યું છે કે, જામસાહેબ હસ્તકની જેટલી પણ અગત્યની જમીન મિલ્કતો છે, તે તમામ મિલ્કતો હવે અદાણીજૂથ ડેવલપ કરશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે વર્ષ જેટલાં સમયથી શહેરમાં કાનોકાન એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, દેશનું સૌથી મોટું ઉદ્યોગગૃહ અદાણીજૂથ જામનગર આવી રહ્યું છે. ત્યારબાદ આખરે ગઈકાલે 15મી જૂલાઈએ જામસાહેબ દ્વારા આ સંબંધે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જાણકાર લોકોના કહેવા અનુસાર, અદાણીજૂથની જામનગરમાં એન્ટ્રી થતાં હવે જામનગરનો ઔદ્યોગિક વિકાસ આકાશને આંબશે.
કાલે મંગળવારે જામસાહેબ શત્રુશલ્યસિંહએ જાહેરાત કરી છે કે, મેં મારી અગત્યની સ્થાવર મિલકતો ડેવલપ કરવા માટે અદાણીજૂથને સોંપી છે. અદાણીજૂથ જામનગરને મારી કલ્પના મુજબ પેરિસ ઓફ ઈન્ડિયા બનાવશે. આ જાહેરાતમાં સ્પષ્ટતાઓ કરવામાં આવી છે કે, આ કોઈ પણ સ્થાવર મિલકત વેચાણથી આપવામાં આવી નથી. અદાણીજૂથ પાસેથી ન્યૂનતમ રકમ પ્રાપ્ત કરી, આ મિલ્કતો ડેવલપ કરવા માટેના હક્ક અદાણીજૂથને આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વિવિધ વ્યવસાયોમાં નોંધપાત્ર અને તોતિંગ હાજરી ધરાવતા અદાણીજૂથનો જામનગરમાં પ્રવેશ થતાં અને રાજવી પરિવાર હસ્તકની અગત્યની સ્થાવર મિલકતોને ડેવલપ કરવાના હક્ક અદાણીજૂથને પ્રાપ્ત થતાં એમ માનવામાં આવે છે કે, આ બધી મિલકતો ડેવલપ થતાં જામનગર શહેર બેનમૂન સુંદરતા પ્રાપ્ત કરી શકે છે. અત્રે એ પણ નોંધનીય છે કે, અદાણીજૂથ કચ્છ ખાતે બંદર ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય નામના ધરાવતું હોય, જામનગર પોર્ટનો ભવિષ્યમાં મુંદ્રા પેટર્ન પર અદભુત વિકાસ થઈ શકે છે અને જો એમ થશે તો, જામનગરના અર્થતંત્ર માટે એ મહા બુસ્ટર ડોઝ સાબિત થઈ શકશે.
-અદાણી જૂથના મુખ્ય વ્યવસાયિક સીમાચિહ્નો
- અદાણી પાવર ૧૦૦ અબજ યુનિટથી વધુનું ઉત્પાદન કરે છે.
- અદાણી ગ્રીન ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે.
- અદાણી એનર્જી સોલ્યુશન્સે નવા ઓર્ડરમાં ₹૪૪,૦૦૦ કરોડ મેળવે છે.
- અદાણી પોર્ટ્સ ૪૫૦ MMT કાર્ગો હેન્ડલ કરે છે.
- અદાણી એરપોર્ટ ૯૪ મિલિયન મુસાફરોને સેવા આપે છે અને નવી મુંબઈ એરપોર્ટ લોન્ચ થવાની નજીક છે.
- અદાણી સિમેન્ટે સમય પહેલાં ૧૦૦ MTPA ક્ષમતા પાર કરી રહી છે.
- અદાણી ટોટલ ગેસ હવે ૨૨ રાજ્યોમાં ૩,૪૦૦ EV ચાર્જિંગ સ્ટેશન ચલાવી રહ્યું છે.
- અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ તેની ૧૦ GW સોલર મેન્યુફેક્ચરિંગ સુવિધાને આગળ ધપાવી રહી છે.
- ધારાવી રિડેવલપમેન્ટ ૧૦ લાખથી વધુ લોકોને ગૌરવ અને આધુનિક સુવિધાઓ સાથે સ્થાનાંતરિત કરવાની તૈયારી કરી રહ્યું છે.