Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજયમાં બાંધકામ ઉદ્યોગ રાતદિવસ ધમધમી રહ્યો છે, સારી એવી ઉંચાઈ ધરાવતી ઈમારતો નિર્માણ થઈ રહી છે જેની સાથેસાથે બાંધકામ સાઈટ પર થતાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને આ સાઈટ્સ પર શ્રમિકોના મોતના આંકડાઓ પણ મોટાં થઈ રહ્યા છે ! હાલમાં જ જામજોધપુર તાલુકાના સમાણામાં એક બિલ્ડીંગ નિર્માણ દરમિયાન એક યુવાન શ્રમિક મહિલાનું મોત થયું. આ પ્રકારના ગંભીર બનાવો જામનગર શહેર અને જિલ્લામાં અવારનવાર બનતાં રહે છે, જેને ધંધાર્થીઓ કે તંત્ર પક્ષે ગંભીરતાથી લેવામાં આવતાં ન હોવાનું ચિત્ર વરસોથી જોવા મળી રહ્યું છે ! બિચારાં શ્રમિકો જાન ગુમાવતાં રહે છે અને તેઓના પરિજનોને ખાનગીમાં સમજાવી લેવામાં આવતાં હોય છે !
દરેક બાંધકામ સાઈટ પર સરકારના સલામતી અંગેના નિયમોનું ધંધાર્થીઓએ પાલન કરવાનું હોય છે. સંખ્યાબંધ સાઈટ્સ એવી હોય છે જયાં બિલ્ડર, ડેવલપર તથા કોન્ટ્રાક્ટર સલામતીના નિયમોનો છડેચોક ભંગ કરતાં હોય છે! સાઈટ્સ પર સલામતીના નિયમોનું પાલન થાય છે કે કેમ.? તેની ચકાસણીઓ માટે સરકાર ઈન્ડસ્ટ્રીયલ સેફટી નામનું તંત્ર પણ નિભાવે છે. પરંતુ આ તંત્ર અસરકારક ન હોવાની સ્થિતિ દેખાઈ રહી છે. કોઈ જ બિલ્ડરને અકસ્માત પૂર્વે સલામતીના નિયમભંગ મુદ્દે નોટિસ આપવામાં આવતી નથી, દંડ કરવામાં આવતો નથી, સાઈટ્સ સીલ કરવામાં આવતી નથી. અરે! અકસ્માત બાદ પણ કસૂરવાર કોન્ટ્રાક્ટર કે સાઈટ્સ માલિક વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, લેબર કોર્ટ મારફતે બિલ્ડરને સજા થઈ શકે તે રીતે કેસનું મોનિટરીંગ કરવામાં આવતું નથી! પરિણામે આ ક્ષેત્રમાં લાલિયાવાડી ચાલતી રહે છે. તંત્રની ધંધાર્થીઓ પર ધાક નથી. બિચારાં શ્રમિકોની જિંદગી લૂંટાતી રહે છે!
પાછલાં બે જ વર્ષમાં રાજયમાં બાંધકામ અકસ્માતોમાં 242 શ્રમિકોએ જીવ ગુમાવ્યા. અને આ પ્રકારના અકસ્માતોમાં સામાન્ય અને ગંભીર ઈજાઓ પામનારાઓ કે કાયમી ખોડખાંપણ ભેટમાં મેળવનારાઓનો કોઈ ભાવ પણ પૂછતું નથી ! બાંધકામ માફક ઉદ્યોગોમાં પણ આવી જ લાલિયાવાડી ચાલતી રહે છે!
રાજયમાં માત્ર બાંધકામ સાઈટ્સ પર જ છેલ્લા 14 વર્ષમાં 1,240 શ્રમિકો મોતનો કોળિયો બન્યા છે અને હજારો શ્રમિકોને નાનીમોટી ઈજાઓ પહોંચી છે. બાંધકામ શ્રમિકોના સંગઠને રાજય સરકારને કહ્યું છે કે, શ્રમિકોના મોતના કારણોની ઉંડાણથી ચકાસણી થવી જોઈએ અને તેઓનાં પરિજનોને કાયદા મુજબ વાજબી વળતર મળવું જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના અકસ્માત કેસોમાં કોની કોની બેદરકારીઓ રહી છે તેની તપાસ કરાવી કસૂરવારો વિરુદ્ધ કાયદેસરની પરંતુ કડક કાર્યવાહીઓ થવી જોઈએ.