Mysamachar.in-જામનગર:
આમ તો ગુજરાત રાજ્ય “ડ્રાય સ્ટેટ” છે, એટલે કે અહી પીવાની અને વહેચવાની મનાઈ છે, પણ હમણા હમણાં ના આંકડાઓ તો ઠીક પણ આખા વર્ષ દરમિયાન આ ડ્રાયસ્ટેટમાં કરોડો નો દારુ આરામથી ઘુસી જતો તેમાં પકડાઈ જાય તેનાથી વધુ તો પીવાઈ પણ જાય છે, એવામાં હવે તો ચેકપોસ્ટની મગજમારી પણ નીકળી ગઈ છે, એટલે સ્વાભાવિક છે કે બુટલેગરોને મોકળું મેદાન મળી ગયું છે, આપને જાણીએ છીએ કે “મદિરાપાન” કરવું સ્વાસ્થ્ય માટે ખુબ હાનીકારક છે, અને બને તો લોકોએ કોઈપણ નશો હોય તેનાથી અંતર રાખવું જ હિતાવહ કહેવાય છે,
એવામાં એક તરફ જામનગર સહીત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે, અને આવી ઠંડી હોય એટલે “પીને વાલો કો પીને કે બહાના ચાહિયે” તેમ ઠંડીમાં ગરમીનો અહેસાસ કરવા માટે સામાન્ય રીતે પીવાવાળા “રમ” પર વધુ ભાર મુકતા હોય છે, પણ બુટલેગરોને ખબર છે અત્યારે કમાઈ લેવાનો મોકો છે, એટલે જે રમ અત્યારસુધી ૭૦૦/૮૦૦ રૂપિયા સુધીમાં મળી જતી હતી તેનો ભાવ ૧૨૦૦/૧૩૦૦ સુધી પહોચી ગયો છે, તો સામાન્ય વ્હીસ્કીના ૧૦૦૦ સુધીના ભાવ હવે ૧૫૦૦ સુધી પહોચી ગયા છે, તો બીજી બાજુ યુવાધન પણ નવા વર્ષને આવકારવા આતુર છે, ત્યારે યુવાહૈયાઓ તો અત્યારથી સ્ટોક કરવામાં લાગ્યા છે, ભલે “સોલ્જરી” કરવી પડે પણ નશા વિના નવા વર્ષની રાત આજના મોટાભાગના યુવાઓ માટે અધુરી હોય તેમ લાગે છે.