Mysamachar.in-ગાંધીનગર:
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ભારતના બંધારણમાં મફત અને સક્ષમ કાનૂની સહાયને દેશના પ્રત્યેક નાગરિકનો અધિકાર ગણવામાં આવ્યો છે. ગુજરાતના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓનો અધિકાર પ્રાપ્ત થાય તે દિશામાં આજે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવા માટે કાનૂની સેવા સત્તામંડળોની રચના કરવાના હેતુસર ધ લીગલ સર્વિસ ઓથોરીટી-1987 અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ-1997નો કાયદો હાલ ગુજરાતમાં અમલી છે. આ કાયદાની કલમ-12 મુજબ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ અને ઔધ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને મફત અને સક્ષમ કાનૂની સહાય મળવાપાત્ર છે.

આ કાયદાના નિયમ-20મુજબ નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને સુપ્રીમ કોર્ટ સિવાય અન્ય કોઈપણ કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવા અથવા બચાવ કરવા માટે કાનૂની સેવાઓનો હક મળે છે. સમયાંતરે આવક અને મોંઘવારી વધતાં વર્ષ ૨૦૧૨માં નિયમ-20માં સુધારો કરીને રાજ્ય સરકાર દ્વારા કાનૂની સહાય મેળવવા માટેની વાર્ષિક આવક મર્યાદા વધારીને રૂ. એક લાખ કરી હતી. રાજ્યમાં નબળા વર્ગના મહત્તમ નાગરિકોને મફત અને સક્ષમ કાનૂની સેવાનો લાભ મળી રહે તે માટે ફરી એકવાર આ જોગવાઈમાં સુધારો કરીને આજે કેબિનેટ બેઠકમાં આવક મર્યાદાને વધારીને રૂ. ત્રણ લાખ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સુધારા થી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થશે અને જન સમુદાયને પોતાના હકોના રક્ષણ માટે કાનૂની ઉપચારો સરળતાથી પ્રાપ્ત થશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.(symbolic image)
