Mysamachar.in-અમદાવાદ:
કરચોરી સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત સહિત બધે જ હોટ ટોપિક છે. લોકોને કચોરી ખાવા કરતાં પણ વધુ મજા કરચોરીની વાતોમાં આવે છે ! કારણ કે, કરચોરી મારફતે જનરેટ થતું કાળું ધન ડ્રાયફ્રૂટ કચોરી અને કાજુ કતરીથી માંડીને ગોલ્ડ બિસ્કિટ સહિતની લલચામણી અને અસંખ્ય ચીજોને વેચાતી લઇ શકે છે.
આદ્યશક્તિની આરાધનાનો ભવ્ય તહેવાર નજીક છે. એ પહેલાં અથવા તહેવારો દરમિયાન ઘણાં કરચોરોને આવકવેરાતંત્ર ધૂણાવી દેશે, એવું દેખાઈ રહ્યું છે. અને તંત્રનું આ તાંડવ દિવાળી સુધી અને એ પછી પણ, દિવાળી-ચૂંટણીઓ વચ્ચેના સમયગાળામાં પણ, ચાલુ રહી શકે છે કેમ કે, તંત્રએ પાછલાં 1,000-1,300 દિવસના કાચા ‘ હિસાબો’ નો ડેટા એકત્ર કરી લીધો છે, આ હિસાબો સરકારમાં દેખાડવામાં આવ્યા નથી, એટલે કે તેઓએ આવકવેરા રિટર્ન ભર્યા નથી અથવા રિટર્ન ભર્યા છે છતાં આ નાણાંકીય વ્યવહારો રિટર્નમાં જાહેર કર્યા નથી, તેવા લોકોનો ચાર વર્ષનો ડેટા તંત્ર પાસે છે. તંત્રએ આ પૈકી ઘણાં લોકોને ગત્ માર્ચમાં ‘ચેતવણી’ પણ આપેલી, છતાં જેઓ તોરમાં રહ્યા છે તેઓની ઓફિસો કે ઘરોમાં ‘બોમ્બ’ ફૂટી શકે છે.
બિઝનેસ વર્તુળો જણાવે છે, પાછલાં ચાર વર્ષ દરમિયાન ઘણાં બધાં લોકોએ વિવિધ સંપત્તિઓ ખરીદી છે, FD કઢાવી છે, શેરબજારમાં એન્ટ્રીઓ પડાવી છે અને વિદેશ પ્રવાસ સહિતના મોટાં નાણાંકીય વ્યવહાર કર્યા છે જેની નોંધ નથી કરાવી, અથવા યોગ્ય નોંધ નથી કરાવી. આ પૈકી ઘણાં લોકોને ચોક્કસ પ્રકારની નોટિસ પણ આવકવેરાતંત્ર દ્વારા ઈસ્યુ થઈ છે અને કેટલાંકની ‘મુલાકાત’ તંત્ર રૂબરૂ લેશે, એવા પણ સંકતો છે ! એટલે નોટિસ ન મળી હોય, એવા લોકોએ હરખાઈ ન જવું. હરખ મોંઘો પણ પૂરવાર થઈ શકે.
આવકવેરાતંત્ર દ્વારા ઘણાં લોકોને રિટર્ન ભરવા, ઘણાં લોકોને ટેક્સ ભરવા રિમાઈન્ડર પણ ગત્ માર્ચ દરમિયાન અને એ પછી પણ મોકલવામાં આવ્યા હતાં. આ પ્રકારના ઘણાં લોકોને તાજેતરમાં સરકારી કંકોતરીઓ રવાના થઈ ગઈ છે. બિઝનેસ સોર્સ એમ પણ જણાવે છે કે, કેટલાંક લોકોએ પાછલાં મહિનાઓ દરમિયાન તંત્રને નોટિસના જે જવાબો આપેલાં છે, તે જવાબો તંત્રને સંતોષકારક જણાતાં નથી, તેથી કેટલાંક લોકોને પેનલ્ટી નોટિસ પણ ઈસ્યુ થઈ છે. અને આગામી દિવસોમાં આવકવેરાતંત્ર પાછલાં ચાર વર્ષના ડેટાનો શું ઉપયોગ કરે છે.? તે પ્રશ્નનો ઉત્તર નવરાત્રિ કે દિવાળી દરમિયાન જાણવા મળી શકે છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, રાજયમાં સર્વત્ર આવકવેરાતંત્ર ધીમેધીમી સક્રિય બની રહ્યાની ખબરો વહેતી થઈ રહી છે જે નજીકના ભવિષ્યમાં મોટા સમાચાર પણ બની શકે.શેરબજારના વ્યવસાય પર આવકવેરાતંત્રની નજર વધુ ઝીણી હોય છે. ઉપરાંત મોટાં નાણાંકીય વ્યવહારોની ક્રોસ એન્ટ્રીઓ તંત્રનો રસનો વિષય હોય છે અને દસ્તાવેજ નોંધણીનો ડેટા પણ તંત્ર માટે શસ્ત્ર પૂરવાર થતું હોય છે.