Mysamachar.in:ગુજરાત
આમ તો આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જૂલાઈ હતી. પરંતુ હજારો કરદાતાઓએ આ તારીખ અગાઉ ઘણાં સમય પહેલાં પોતાના રિટર્ન ફાઇલ કરી દીધાં હતાં. જેઓને હજુ સુધી રિફંડ ન મળતાં ફરિયાદો થઈ હતી. પુષ્કળ કરદાતાઓએ રિફંડમાં વિલંબ અંગે આવકવેરા વિભાગ સમક્ષ રજૂઆતો કરેલી. કેટલાંક કરદાતાઓએ આ ફરિયાદ PMO ને પણ મોકલાવી હતી. ત્યારબાદ આવકવેરા વિભાગ તરફથી રિફંડમાં વિલંબ મુદે એક સ્પષ્ટતા કરવામાં આવી છે. આવકવેરા વિભાગે રિફંડ વિલંબ મામલે કહ્યું છે કે, આપની વિગતો વિભાગને મેઈલ દ્વારા મોકલાવો. ટ્વિટર પર વિભાગે કહ્યું છે કે, કૃપા કરી તમારી વિગતો સાથે તમારો PAN અને તમારો મોબાઇલ નંબર orm@cpc.incometax.gov.in પર મોકલી આપો. જેથી વિભાગની ટીમ તમારો સંપર્ક કરી શકે.
સામાન્ય રીતે, આવકવેરા વિભાગ રિફંડની પ્રક્રિયા 20 થી 45 દિવસની અંદર હાથ ધરે છે. જાણકારો એમ પણ કહે છે કે, આવકવેરા વિભાગે લોકોની ફરિયાદ કે રજૂઆતની રાહ શા માટે જોવી જોઈએ ? શા માટે વિગતો ફરીથી મંગાવવી જોઈએ ?! કરદાતાઓએ જેતે સમયે આવકવેરા રિટર્ન ફાઈલ કરતી વખતે તમામ વિગતો આપેલી હોય જ છે, આવકવેરા વિભાગે નિયમ અનુસાર આ કામગીરી નિપટાવવાની હોય જ છે, કરદાતાઓ પાસેથી આ પ્રકારની વિગતો ફરીથી મંગાવવાની કોઈ જરૂરિયાત જણાતી નથી. આ પ્રકારની લાલફીતાંશાહીને કારણે જ કામોમાં વિલંબ થતો હોય છે અને કરદાતાઓ જાણે કે તહોમતદાર હોય એમ પરેશાન થતાં હોય છે.






