Mysamachar.in-ગાંધીનગર:
આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ બાબતે સુવ્યવસ્થિત રીતે પ્રચાર થતો રહે છે, જેમાં સુંદર રીતે સ્ક્રિપ્ટ રજૂ કરવામાં આવે છે અને એમ સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે કે, નાગરિકોની ચિંતાઓ કરવામાં આવી રહી છે અને સાથેસાથે આરોગ્ય ક્ષેત્રને લોકોના લાભાર્થે આધુનિક પણ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ પ્રકારના પ્રચારની પોકળતાનો લોકોને સતત કડવો અનુભવ થતો રહે છે- જે નકારી ન શકાય એવી વરવી હકીકત અને કઠણાઈ છે.
સમજવા માટે એક ઉદાહરણ: દાખલા તરીકે, દેવભૂમિ દ્વારકા પંથકના કોઈ એક ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માત થાય છે, આ અકસ્માતના ઈજાગ્રસ્તને શરૂઆતમાં નજીકના PHC કે CHC માં સારવાર માટે લઇ જવામાં આવે છે, જ્યાં એકદમ પ્રાથમિક કક્ષાની સારવાર બાદ તેને જિલ્લાકક્ષાએ કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ત્યાં પણ આ ઈજાગ્રસ્તને સંપૂર્ણ અને આધુનિક તથા તાકીદની સારવાર ઉપલબ્ધ થતી નથી, પછી તેને જામનગર અને ત્યાંથી રાજકોટ અથવા અમદાવાદ ખસેડવામાં આવતાં હોય છે અને, ઘણાં બધાં કિસ્સાઓમાં આ ઈજાગ્રસ્તનું મોત થતું હોય છે, કેમ કે સમયસર જરૂરી સારવાર ઉપલબ્ધ થઈ હોતી નથી ! અને, ધારો કે આ ઈજાગ્રસ્ત આટલી દોડધામ બાદ બચી પણ જાય તો પણ, એ પ્રશ્ન તો ઉભો જ રહે છે કે, યોગ્ય સારવાર માટે આટલી બધી યાતનાઓ ઈજાગ્રસ્તએ શા કારણથી વેઠવી પડે છે ?! તેનો જવાબ એ છે કે, દરેક સ્તરે આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલની માત્ર ઈમારતો ખડકવામાં જ સૌને રસ અને સ્વાર્થ છે, કોઈને પણ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ ટનાટન બનાવવામાં રસ નથી !!
અહીં વિવશતા એ પણ છે કે, તબીબો સરકારી મેડિકલ કોલેજોમાં કરદાતાઓના નાણાંથી ભણે છે, પણ ટાણે કરદાતાઓને કામ આવતાં નથી. ખાસ કરીને, ગ્રામ્ય વિસ્તારોમાં વસતાં લાખો નાગરિકોની મજબૂરી અતિ ઘાટી છે, જે દૂર કરવાનો પ્રયાસ આટલાં વર્ષો બાદ પણ થતો નથી, ગુજરાત રાજ્યની રચનાના 64 વર્ષ બાદ પણ કમનસીબી આ રહી છે.
મેડિકલ કોલેજમાં દાકતરનું ભણેલા દરેક પુરુષ અને મહિલા તબીબે એક વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં સરકારી તબીબ તરીકે નોકરી કરવી એવો નિયમ છે, પણ આ નિયમમાં છીંડુ પણ છે !! જો તમારે ગામડે આ નોકરી કરવા ન જવું હોય તો સરકારમાં રૂ. 20 લાખ જમા કરાવી દેવાના, ગ્રામ્ય વિસ્તારના લોકો આરોગ્ય સેવાઓથી ભલે વંચિત રહે. આ નાણાં સરકારની તિજોરીમાં જમા થાય છે અને તબીબના અભાવની નુકસાની લોકોના ખાતે ઉધારાઇ જાય છે.
રાજ્યની આ સ્થિતિના આંકડાઓ જાણી રાખો: રાજ્યમાં આ પ્રકારના 6,082 તબીબોએ ગામડે એક વર્ષ નોકરી કરવાની ના પાડી દીધી અને બોન્ડની શરત મુજબ, સરકારમાં કુલ રૂ. 647.65 કરોડ જમા કરાવી દીધાં, આ કારણથી ગ્રામ્ય વિસ્તારોમાં જે લાખો કરદાતા નાગરિકો તબીબના અભાવે પરેશાન થયા, તેનું કોણ ?! આ પ્રશ્નનો જવાબ મેળવવાની તસ્દી કોઈ લેતું નથી, આ લાખો અને કરોડો લોકોની મજબૂરી અને વેદના વિધાનસભામાં કે સંસદમાં પણ રજૂ થતી નથી. કારણ કે ત્યાં હંગામાઓ અને વારતાઓ થતી રહે છે.