Mysamachar.in:અમદાવાદ
ન્યાયમાં વિલંબ ન્યાય ન મળવા બરાબર છે – એ કહેવત જેવી જ સ્થિતિ ગુજરાતમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવર્તે છે ! રિઅલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં દોઢ વર્ષથી બિલ્ડર્સ, ડેવલપર્સ અને પ્રમોટર્સ વિરુદ્ધનાં કેસોની સુનાવણી બંધ છે ! કારણ કે, સરકારે આ સંસ્થામાં જરૂરી મેમ્બર મૂકયા જ નથી ! આથી વડી અદાલતે દરમિયાનગીરી કરવી પડી છે.
ગુજરાત રેરા માં બિલ્ડર્સ પાસેથી ઘર ખરીદનારાઓને ન્યાય ન મળવાનાં સંજોગોમાં એપેલેટ ટ્રિબ્યુનલમાં જવાનો રસ્તો ખૂલ્લો હોય છે. પરંતુ સરકારે આ ટ્રિબ્યુનલમાં જરૂરી મેમ્બર ફાળવ્યા ન હોય, આ ટ્રિબ્યુનલમાં દોઢ દોઢ વર્ષથી બિલ્ડર્સ વિરુદ્ધના કેસોની સુનાવણી જ બંધ છે ! અને તેથી ગ્રાહકોએ ન્યાય મેળવવા બિલ્ડર્સને વડી અદાલતમાં પડકાર આપવો પડે છે. તાજેતરમાં આ મુદ્દે અદાલતે સરકારને જવાબ આપવા કહેતાં, હવે સરકારમાં સળવળાટ શરૂ થયો છે.
2016 માં રિઅલ એસ્ટેટ એક્ટ બનાવવામાં આવ્યો ત્યારે તેનો હેતુ ઘર ખરીદનારાઓની સુવિધાઓ તથા તેઓનાં નાણાંની સુરક્ષાનો હતો. પરંતુ હાલની આ સ્થિતિમાં એકટના આ હેતુઓ શી રીતે બર આવી શકે ?! હાલ આ એપેલેટમાં એક માત્ર જયુડિશિયલ મેમ્બર છે. કેસની સુનાવણી માટે ઓછામાં ઓછાં બે સભ્યોની જરૂરિયાત હોય છે. આથી સુનાવણી બંધ છે ! અને, બીજી બાજુ બિલ્ડર્સ પોતાના વિરૂદ્ધની અરજીઓ પરત ખેંચી લેવા અરજદારો પર દબાણ કરી રહ્યા છે !