Mysamachar.in-ગાંધીનગર;
108 ઈમરજન્સી સેવાઓ અને સાયબર ક્રાઈમ માટેની નેશનલ હેલ્પલાઇન માફક હવે, રાજ્યમાં ફાયર સર્વિસને પણ એક સેન્ટ્રલ સિસ્ટમ બનાવવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ફાયર સર્વિસ આધુનિક બનાવવામાં આવશે. અને, આ માટે વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ સમગ્ર યોજના ‘ વન સ્ટેટ, વન કેડર’ તરીકે ઓળખાશે. સમગ્ર રાજ્યમાં ફાયર સર્વિસનું સંચાલન રાજ્યકક્ષાએથી થશે. આ સેન્ટ્રલી મેનેજમેન્ટ સિસ્ટમ રાજ્યકક્ષાના ફાયર ડાયરેક્ટરના માર્ગદર્શન મુજબ ચાલશે.
આગના બનાવોને રોકવાની વ્યવસ્થાઓ તથા આગ લાગ્યા બાદ મળતી ફાયર સેવાઓમાં ઈમરજન્સી રિસ્પોન્સ સમય ઘટાડવાની કવાયત થશે. રાજ્યની ફાયર સેવાઓમાં અતિ આધુનિક ફાયર ટ્રક તથા સાધનો વસાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાં ફાયર સેફ્ટી માટેના એકસમાન, સ્ટાન્ડર્ડ નિયમોનું પાલન કરાવવામાં આવશે.
સમગ્ર વ્યવસ્થાઓનું સંચાલન ટાસ્ક ફોર્સના માધ્યમથી થશે. આ ફોર્સના વડા તરીકે સ્ટેટ ફાયર ડાયરેક્ટર જવાબદારીઓ અદા કરશે. માર્ગદર્શન આપશે. સંશાધનો, સાધનો અને તાલીમ માટે દરેક ફાયર સ્ટેશનમાં એકસમાન નિયમોનું પાલન કરાવવાની જવાબદારીઓ આ સ્ટેટ ડાયરેક્ટરના શિરે રહેશે.
રાજ્યના હાલના બજેટમાં આ માટે રૂ. 162 કરોડની ફાળવણી થઈ છે. આ ઉપરાંત રાજ્યમાં 16 નવા ફાયર સ્ટેશન માટે અન્ય રૂ. 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારનો ઈરાદો અને આયોજન એવા છે કે, શહેરી વિસ્તારોમાં આગનો કોલ પ્રાપ્ત થયા બાદ પાંચ સાત મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોલ પ્રાપ્ત થયા પછી, વધીને 20 મિનિટમાં ફાયર વાહન સ્થળ પર પહોંચી જઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
આ પ્લાન હેઠળ રાજ્યમાં 6 પ્રાદેશિક કચેરીઓ બનશે. જ્યાં ક્વિક રિસ્પોન્સ વાહન તથા ટૂકડી 24 કલાક સ્ટેન્ડ ટુ રહેશે. કેમ કે, રાજ્યના જુદાજુદા વિસ્તારમાં આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત રાજ્યમાં ફાયર પ્રિવેન્શન માટે રૂ. 462 કરોડની વ્યવસ્થાઓ થઈ છે. પંદરમા નાણાં પંચ હેઠળ આ કામો માટે રૂ. 339 કરોડની જોગવાઈ થઈ છે અને આ વર્ષના બજેટમાં રૂ. 194 કરોડની જોગવાઈ. આમ, હાલમાં રાજ્યમાં ફાયર સર્વિસનું આધુનિકરણ થઈ રહ્યું છે. નવા ક્વિક રિસ્પોન્સ સેન્ટર બની રહ્યા છે અને ગાંધીનગરમાં સેન્ટ્રલ સેન્ટર પણ બનશે.