Mysamachar.in-જામનગર:
અમે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાંથી આવીએ છીએ અને તમે દારૂનો ધંધો કરો છો એમ કહી 3 શખ્સોએ જામનગરમાં કુલ 3 વ્યક્તિઓની ‘ફિલમ’ ઉતારી લીધી એટલે કે વીડિયો બનાવી લીધો અને પછી આ મામલાના ફરિયાદી પાસેથી રોકડમાં તોડ કરી લઈ જતાં રહ્યા. જામનગરના એક યુવાને આ મતલબની ફરિયાદ શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. જામનગર પોલીસ રાજકોટની ‘નકલી પોલીસ’ને શોધી રહી છે.
જામનગરમાં જૂના રેલ્વે સ્ટેશન નજીકના વિસ્તારમાં રહેતાં 21 વર્ષના હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ નામના યુવાને આ પોલીસ ફરિયાદ ગઈકાલે સોમવારે નોંધાવી. જેમાં તેણે જણાવ્યું છે કે, આ બનાવ 31મી મે એ તેના પોતાના ઘરમાં જ બપોરે અઢી વાગ્યે બન્યો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાંચના પોલીસ તરીકેની ઓળખ આપનાર 2 શખ્સો અને પત્રકાર તરીકેની ઓળખ આપનાર 1 શખ્સ, એમ કુલ 3 શખ્સોએ આ ફરિયાદી, ફરિયાદીના પિતા તથા એક સાહેદને પોલીસની ધાકધમકી આપી, ફરિયાદી પાસેથી નાણાં પડાવી લીધાં- એમ આ ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે.

ફરિયાદીએ પોલીસમાં જણાવ્યું કે, ગત્ 31મી એ 3 શખ્સો ગુનાહિત કાવતરૂં રચી કાર નંબર GJ-27-AA-0912માં આ ફરિયાદીના ઘરે પહોંચી ગયા હતાં. જેમાંથી 2 શખ્સોએ પોતે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાંથી આવે છે એમ કહ્યું અને ત્રીજા શખ્સે પોતે ત્રિલોક ન્યૂઝનો પત્રકાર છે તેમ કહ્યું. આ શખ્સોએ ફરિયાદીને એમ કહ્યું કે, તમે દારૂનો ધંધો કરો છો, એમ કહી ફરિયાદીના ઘરનો વીડિયો બનાવી લીધો. અને ફરિયાદી તથા તેની સાથેના એક યુવાનને ડરાવી ધમકાવી એમ કહ્યું કે, તમારો દારૂના મોટા જથ્થાનો કેસ કરીશું. આમ કહી આરોપીઓએ ફરિયાદી પાસેથી બળજબરીથી રૂ. 20,000 કઢાવી લીધાં અને ફરિયાદી સાથેના યુવાન પાસે પણ નાણાંની માંગણી કરી પરંતુ બાદમાં આ 3 શખ્સો ઝડપથી જતાં રહ્યા. પોલીસે વિવિધ કલમો અંતર્ગત આ 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે.