Mysamachar.in-અમદાવાદ
પોલીસે એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે પ્રથમ ટાર્ગેટ વ્યક્તિ ઉપર એક મેસેજ મોકલતી અને તેઓને જણાવવામાં આવે છે કે, તમે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા માંગો છો તો નીચે જણાવેલા નંબર ઉપર કોલ કરો. જો ટાર્ગેટ વ્યક્તિએ નંબર ઉપર કોલ કરે અને ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા માંગે તો તેને રજિસ્ટ્રેશનના નામે તથા વિઝિટિંગ કાર્ડના નામે નાણા અલગ-અલગ ખાતાઓમાં ભરાવવામાં આવે છે, ત્યારબાદ ટાર્ગેટ વ્યક્તિને લેડીઝ જોડે વાત કરાવડાવી લલચાવવામાં આવે છે અને ટાર્ગેટ વ્યક્તિની સ્ત્રી મિત્ર બનાવી આપી તેની સથે મુલાકાત કરાવવાના બહાને નાણા બેંક ખાતાઓમાં ભરાવવામાં આવતા હતા.
વોટ્સએપ પર મેસેજ મોકલીને લોકોને ફ્રેન્ડશીપ કરવા લલચાવીને ભાઈ-બહેનની નાણાં ખંખેરતી ગેંગને અમદાવાદ પોલીસની સંયુક્ત ટીમે સુરતથી ઝડપી પાડ્યા છે. યુવક પાસે ફ્રેન્ડશીપ કરવાના બહાને 10 લાખ જેટલી રકમ ખંખેરી લેતા તેણે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે બંને ભાઈબહેનને ઝડપી પાડ્યા છે. જ્યારે તેમના 9 સાગરિતો ફરાર છે. તો અત્યાર સુધીમાં આ ભાઈ બહેન સહિતની ટીમે 71 લોકોને તેમણે શિકાર બનાવ્યો હતો અને રૂ, 41 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાનું પણ સામે આવ્યું છે.
થોડા દિવસો પૂર્વે એક યુવકને એક મેસેજ આ ટોળકી દ્વારા મોકલવામાં આવેલ જેમાં જણાવવામાં આવેલું કે, જો તમે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા માંગતા હોવ તો જણાવેલ નંબરે ફોન કરવો. યુવકે ફોન કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા જણાવતા ટોળકી દ્વારા ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા રજિટ્રેશન કરાવવા ઓનલાઇન ખાતામાં રૂ. 2400 જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેના વિઝિટિંગ કાર્ડ બનાવવા માટે રૂ.15,500 ત્યારબાદ ફ્રેન્ડશીપ ક્લબમાં સ્ત્રી મિત્ર બનાવી આપવા તથા તેની સાથે મુલાકાત કરાવવા માટે અલગ અલગ તારીખોએ રૂ. 50000, રૂ.1,49,300, રૂ.1,71,799, રૂ.1,50,000, રૂ.94,000, રૂ.4,12,500 એમ કુલ રૂ. 10,45,199 અલગ-અલગ ખાતાઓમાં ટોળકી દ્વારા યુવક પાસે ભરાવવામાં આવેલા હતા.
જો કે પહેલા તો આ ગેંગની વાતચીતમાં ભોળવાઈ ગયેલ પણ બાદમાં આ યુવકને તેની સાથે ફ્રોડ થયાનું જાણ થતાં તેણે અમદાવાદ જિલ્લા સાયબર સેલનો સંપર્ક સાધેલો હતો. જે અનુસંધાને સાણંદ પોસ્ટેશનમાં 406, 420આઇ.ટી. એક્ટ કલમ 66સી, 66 ડી મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે બાદ ટેક્નિકલ સર્વેલન્સ આધારે અમદાવાદ પોલીસની સંયુક્ત ટીમે ટોળકીની સુરત શહેર રીંગ રોડ, સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે સેન્ટર પોઇન્ટ કોમ્પ્લેક્ષના પાંચમા માળે ઓફિસ નં 506 તથા સુરત શહેર વેસુ ઉધના-મગદલ્લા રોડ જે.એસ.અંબાણી સ્કૂલની સામે એસ.એન.એસ. બિજનસ પાર્કની ઓફિસ નં 305માં દરોડા કરતા ટોળકી જે સિસ્ટમ દ્વારા ઓનલાઇન ફ્રોડ કરતી હતી. તે લેપટોપ, ડેસ્કટોપ મળી કુલ કિંમત રૂ.51,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ટોળકીમાં સામેલ ભાઇ-બહેનની અટકાયત કરવામા આવી હતી..
પોલીસે આ ફ્રોડમાં સંડોવાયેલા સની પંકજ પારેખ અને તેની બહેન નેહા પંકજ પારેખ ની અટકાયત કરી છે જયારે ટોળકીમાં સામેલ અન્ય ફરાર આરોપીમાં કેલ્વીન ઉર્ફે ભાવેશ પરષોતમ જોધાણી,પ્રતિક પરષોતમ જોધાણી, ભુરાભાઇ, ડોલી મુકેશ દેસાઇ, અમિત, પવન, શ્રધ્ધા ઉર્ફે જારા, મયુર, રૂપલ રમેશભાઇ સતાપરાનો સમાવેશ થાય છે જેની શોધખોળ પોલીસ દ્વારા ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ટોળકીના માણસો છેલ્લા એક વર્ષથી જુદા-જુદા અસંખ્ય નાગરીકો સાથે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા અને સ્ત્રી મિત્ર બનાવી આપવાની લાલચ આપી લોકો સાથે આ રીતે જ ફ્રોડ કરતા હતા. અને અલગ અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. જે હાલ સુધી કુલ-71 જેટલા નાગરિકો ભોગ બનેલાનું જણાઇ આવ્યું છે. જેઓ પાસેથી ઓનાલાઇન આશરે 41,49,400 જેટલી માતબાર રકમ ફ્રોડ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધેલાનુ ધ્યાને આવેલું છે.