Mysamachar.in-જામનગર:
પીજીવીસીએલનું સૌથી વિશાળ વીજ સર્કલ જામનગર કચેરીનું કાર્યક્ષેત્ર છે, જેમાં 35 સબ ડિવિઝન છે. આ કચેરીએ તંત્રની કામગીરીઓમાં પારદર્શિતા લાવવા ખરેખર તો, દર મહિને જાહેર કરવું જોઈએ કે, માસ દરમિયાન વીજકામો માટે આટલી રજૂઆત આવી, આટલા કામો અગાઉના પડતર હતાં અને માસ દરમિયાન આટલાં કામો કરવામાં આવ્યા. આ પ્રથા શરૂ કરવામાં આવે તો લોકોને ખબર પડે કે, વીજતંત્ર દર મહિને કેટલું કામ કરે છે, શું શું કામ કરે છે.
તાજેતરમાં રાજ્યના કૃષિમંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલએ વિવિધ વીજપ્રશ્નો અંગે વીજતંત્ર સાથે બેઠક યોજી તો જાહેર થયું કે, હાલારના વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં પ્રશ્નો નીકળી પડ્યા. અને, આ તો મંત્રી સુધી પહોંચેલા પ્રશ્નો છે, મંત્રી સુધી ન પહોંચતા હોય એવા સેંકડો પ્રશ્નો પણ ઉકેલ વિના રઝળતા હશે. તેના પરથી અંદાજ લગાવી શકાય કે, વીજતંત્ર સમક્ષ પડતર કામોનો ઢગલો મોટો હશે.
આ બેઠકમાં કેબિનેટમંત્રીએ વીજતંત્રને ડઝનબંધ પડતર કામોની યાદી સોંપી, કામો નિપટાવવા સૂચનાઓ આપી. આ બેઠકમાં કલેક્ટર, કમિશનર અને વીજતંત્રના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પડતર કામોની યાદી અંગે કેબિનેટમંત્રીએ ટકોર કરવી પડે એ ખરેખર તો વીજતંત્ર માટે આંચકા સમાન બાબત છે. જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં પણ આમ થતું હોય છે, દરેક બેઠકમાં કલેક્ટરે સંબંધિત વિભાગોને ટકોર કરવી પડતી હોય છે. વિવિધ વિભાગોના વડાઓને દર વખતે તેમની જવાબદારીઓ યાદ કરાવવી પડે તેનો અર્થ શું થાય ?