Mysamachar.in-ગાંધીનગર
સરકાર પ્રજાના પૈસાનો લખલૂટ ખર્ચ કરતી હોય છે, જેમાં અમુક વખતે આરટીઆઈ તો અમુક વખતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવતા વિધાનસભાના સવાલોમાં આવા લખલૂટ ખર્ચના જવાબો સામે આવતા હોય છે, એવામાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવા ઔધોગિક રોકાણને નામે દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ આયોજિત કરવામાં આવે છે, જાન્યુઆરી-2021માં તો કોરોના મહામારીને કારણે આ સમીટ કેન્સલ થઇ હતી પણ એ પહેલાં જાન્યુઆરી-2019માં આ સમીટ યોજાઈ ત્યારે રોકાણકારોને અહીં મોટરગાડીઓમાં ફેરવવા પાછળ જ રૂ. 2.15 કરોડનો જંગી ખર્ચો કર્યાનું કોંગ્રેસના ધારાસભ્યને આપવામાં આવેલ જવાબ પરથી સામે આવ્યું છે,
વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવેલા દેશવિદેશના મહેમાનો માટે સરકારે 575 લક્ઝરી કાર ભાડે રાખી હતી. ભાડાપેટે સરકારે અમદાવાદની અક્ષર ટ્રાવેલ્સ કંપનીને 2.14 કરોડ ચૂકવ્યા હોવાનું વિધાનસભામાં જણાવ્યું હતું. સમિટ દરમિયાન મહેમાનોને એરપોર્ટથી ગાંધીનગર મહાત્મા મંદિર સુધી લાવવા લઈ જવા તથા આસપાસના વિસ્તારોમાં ફરવા લઈ જવા પણ લક્ઝરી કારની સુવિધા અપાય છે. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારના પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે 300થી વધારે ઇનોવા ઉપરાંત મર્સિડીઝ, સિવિક, ઓડી, બીએમડબ્લ્યુ, સેડાન ક્લાસ, ઓક્ટિવિયા, લોરા જેવી કાર ભાડેથી લેવાઈ હતી. જેના ભાડા પેટે રાજ્ય સરકારે ટેક્સ સહિત કુલ રૂ. 2,14,69,348 ચૂકવ્યા હતા.
– કઈ કઈ ગાડીઓ ભાડે રાખવામાં આવી હતી
257 ઇનોવા
76 ઇનોવા ક્રિસ્ટા
57 મર્સિડીઝ-સી, સિવિક હોન્ડા, ઓડી એ-4/5, ઓપ્ટ્રા, કોરોલા તથા ઓક્ટાવિયા
27 મર્સિડીઝ-ઇ, એકોર્ડ, સોનાટા, લોરા અને કેમરી
21 મર્સિડીઝ-એસ અને મ્સ્ઉ
47 29-સીટર કોચ
23 15 સીટર કોચ
49 સેડાન ક્લાસ ગાડીઓ