Mysamachar.in-જામનગર:
લોકસભાની સાથે ગુજરાતમાં ત્રણ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં છેલ્લા દિવસોમાં ભારે રાજકીય ઊથલપાથલો જોવા મળી હતી અને કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપીને રાતોરાત ભાજપમાં પ્રવેશ કરી સત્તા લાલસામાં મોટા ખેલ ખેલયા છે, જેમાં કોંગ્રેસના હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ એકાએક રાજીનામું આપ્યા બાદ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો અને ગણતરીની કલાકોમાં જ તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા,

જામનગર ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ કોંગ્રેસ પક્ષ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેતા આ બેઠક પણ ખાલી થઈ અને વલ્લભ ધારવિયાએ પણ કેસરિયા કરી લીધા, હળવદ-ધાંગધ્રા, માણાવદર અને જામનગર ગ્રામ્ય પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી કુળના જ ત્રણેય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતા ભાજપનો ખેલ ઉઘાડો પડી ગયો છે. શિસ્ત અને કાર્યકરોની કહેવાતી ભારતીય જનતા પાર્ટી નીતિ ચૂકીને આ ત્રણેય બેઠકો પર કોંગ્રેસના અને હવે ભાજપના કહેવાતા ઉમેદવારોને મેદાનમાં ઉતારતા ક્યાંકને ક્યાંક ભાજપમાં વર્ષોથી તળિયા ઘસતા કાર્યકરો અને આગેવાનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે,

હળવદ-ધાંગધ્રાના કોંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયા પર નાની સિંચાઈ કૌભાંડમાં આરોપ લાગતા જેલની હવા ખાવી પડી હતી. પરંતુ ખાનગીમાં ભાજપ સાથે સમજૂતી કરીને પરસોતમ સાબરીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો અને હવે પરસોતમ સાબરીયાને આજ બેઠક પરથી ફરીથી લડાવવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રજામાં કેવો મેસેજ જશે તે ચર્ચાનો વિષય બન્યો છે,

જ્યારે જૂનાગઢ જિલ્લામાં માણાવદરની બેઠક પર સતત ત્રણ ટર્મથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા જવાહર ચાવડાને કોંગ્રેસમાં મજા ન આવતા રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ મેળવી રાતોરાત મંત્રી બની ગયા છે, ત્યારે આ બેઠક પરથી હવે તેઓ ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડવાના છે. તેવામાં પ્રજામાં વર્ષોથી પંજાનો પ્રચાર કર્યા બાદ હવે કમળના નામે મત માંગવા જશે, ત્યારે પ્રજા વચ્ચે કેવી સ્થિતિનું નિર્માણ થશે તે પણ જોવા જેવુ થશે,

ઉપરાંત જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ રાજીનામું આપી દેતા આ બેઠકની પેટા ચુંટણીમાં ભાજપે મૂળ કોંગ્રેસના વતની અને પાટલીબદલુ ની છાપ ધરાવતા રાઘવજી પટેલને વધુ એક વખત તક આપી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાએ જાકારો આપ્યા બાદ ફરીથી તેમને ટિકિટ અપાતા ક્યાંકને ક્યાંક ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે, તેનું કારણ એવું પણ છે કે ભાજપના જ અન્ય 5 આગેવાનોએ પણ દાવેદારી નોંધાવી હતી, જેનો રાઘવજીનું નામ જાહેર થતાં છેદ ઉડી ગયો છે, ત્યારે સ્વાભાવિક છે કે કોણ કોની તરફેણમાં અને કોણ કોની વિરુદ્ધમાં ચૂંટણીમાં કામગીરી કરશે તે પરિણામો પરથી સ્પષ્ટ થઈ જશે.

આમ સત્તા મેળવવા માટે રાજકીય તમાશા વચ્ચે આ ત્રણેય બેઠકો પર એક વર્ષના ગાળામાં જ પ્રજાની માથે ચૂંટણી ઠોકી બેસાડવામાં આવી છે. ત્યારે પ્રજા કેવો જવાબ આપે છે તે આવનારા દિવસોમાં જ ખબર પડશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.