Mysamachar.in:ગાંધીનગર
ચિંતન શિબિર ખૂબ જ ભારેખમ શબ્દ છે. સરકાર ખુદ જ્યારે ચિંતન શિબિર યોજે ત્યારે આ શિબિરનો તામઝામ નિહાળવાલાયક હોય છે. શિબિરનો એજન્ડા આડકતરી રીતે વાસ્તવિકતાની ચાડી ખાઈ જતો હોય છે. અને, અગાઉની શિબિરના એજન્ડાનું પછી શું થયું ? એ પ્રશ્નનો જવાબ પણ ઘણી વાસ્તવિકતાઓ ઉજાગર કરતો હોય છે. ગુજરાતની સ્થાપના 1960 માં થઈ. રાજયને 63 મું વર્ષ ચાલી રહ્યું છે. 63 મે વર્ષે, આગામી મહિને – રાજય સરકાર ચિંતનશિબિર યોજશે. જેમાં રાજ્યનાં પાંચ વર્ષનાં રોડમેપને સુનિશ્ચિત કરવામાં આવશે. હવે ધ્યાનથી, આ શિબિરનો એજન્ડા વાંચો : શિબિરમાં એ સુનિશ્ચિત કરવામાં આવશે કે, સરકારનાં વિભાગો વચ્ચે સંકલન વધારવું. જિલ્લાકક્ષાએ લોકોની સમસ્યાઓને ઉજાગર કરવી અને ત્યાં તેનાં ઉકેલો શોધવા. સરકાર આયોજિત ચિંતનશિબિરનો આ એજન્ડા સૌ કોઈને સાનમાં ઘણું સમજાવી જાય છે.
63 મે વર્ષે આપણી પાસે ઈનોવેટિવ આઈડિયાઝ નથી. ફયૂચર બ્લ્યુ પ્રિન્ટ નથી. આપણે પ્રાથમિક બાબતોમાં અટવાયેલા છીએ ! અચ્છા, ઓકે. આ પહેલાં છેલ્લી ચિંતન શિબિર 2018 માં યોજાઈ હતી. તે પછીનાં વર્ષે લોકસભા ચૂંટણી હતી. આવતાં વર્ષે પણ લોકસભા ચૂંટણી છે. આ યોગાનુયોગ લેખી શકાય ?! ગત્ ચિંતનશિબિરમાં સરકારે સરકારી શિક્ષણનું સ્તર સુધારવા ચિંતન કર્યું હતું. આ વખતની શિબિર પહેલાં એમ જાહેર થયું છે કે, સરકારી શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે ! ગત્ ચિંતનશિબિરમાં અન્ય એજન્ડા એ હતો કે, છાત્રો તથા છાત્રાઓ ખાનગી શાળાઓ છોડી સરકારી શાળાઓમાં આવે.
આપણે સૌ ઘણાં વર્ષોથી જોઈ રહ્યા છીએ કે, ખાનગી શાળાઓની ફી મોટી થતી જાય છે, જેથી ઘણાં વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવે છે ! ખાનગી શાળાઓને ફી વધારવાની મંજૂરી કોણ આપે છે ?! અને, સરકારી શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી શા માટે છે ?! ગત્ ચિંતનશિબિરનો એજન્ડા પૂર્ણ થયો કે કેમ ?! તે સમીક્ષા આ ચિંતનશિબિરમાં થશે ?? આગામી મહિને ચિંતનશિબિર યોજાવા જઈ રહી છે. જેમાં મુખ્યમંત્રી, સમગ્ર પ્રધાનમંડળ, રાજ્યનાં તમામ ઉચ્ચ અધિકારીઓ, કલેક્ટરો સહિતના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે. અને, આ શિબિરમાં સુંદર ભાષણો અને પ્રેઝન્ટેશન રજૂ થશે.